આજકાલ વાલીમાં પોતાના બાળકોને અભ્યાસ માટે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં ભણવવાનો ક્રેઝ જોવા મળે છે. સામાન્ય રીતે સરકારી શાળા માટે વાલીઓની વિચારધારા થોડી અલગ હોય છે. સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા હોતી નથી, અને સરકારી શાળાનાં શિક્ષકો ભણાવવા કરતા અન્ય કામોમાં વધું જોડાયેલા હોય છે, વગેરે લઘુતાગ્રંથી વાલીઓ પીડાતા હોય છે. આવા કરણોસર વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ અર્થે મુકવામાં નાનમ અનુભવે છે.
આ બધી બાબતે પંચમહાલ જિલ્લાની અખમ ફળિયા પ્રાથમિક શાળા આ ધારણાઓમાંથી બાકાત રહે તેવી છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા અખમ ફળિયા પ્રાથમિક શાળા સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના સુત્રને સાર્થક કરે છે. માત્ર 1 થી 5 ધોરણની આ શાળાનું વાતાવરણ એવું છે કે, બાળકોને સ્વયંભુ ભણવા આવવું ગમે છે. આ શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ 0 ટકા છે. અહીં બાળકો પ્રોજેક્ટર દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવે છે. ગ્રામજનો અને શાળા પરિવારે શાળાના પ્રાંગણને નંદનવન બનાવ્યું છે. જેમાં અનેક ફળ ફૂલના વૃક્ષો ઉછેર્યા છે. શાળા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે બે એવોર્ડ પણ મળેલા છે.
જિલ્લાના ગોધરા તાલુકાના છેવાડે દહીકોટ ગામ આવેલું છે. ગામમાં અખમ ફળિયા પ્રાથમિક શાળા આવેલી છે. જ્યાં 1થી 5 ધોરણ આવેલા છે. આ શાળામાં 125 વિદ્યાર્થી સંખ્યા નોંધાઈ છે. જ્યારે શાળાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી, શિક્ષકો અને આચાર્ય માટે આ શાળાનું સંચાલન કરવું એ એક મોટો પડકાર હતો. કારણ કે, બાળકો શાળાએ ઓછા આવતા હતા. આ સમસ્યા ઉકેલવા શાળામાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.
શાળાના વાતાવરણને પ્રાકૃતિક સૌંદર્યની મદદથી આકર્ષક બનાવવામાં આવી. શાળા પ્રાંગણમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા. આજે તેના ફળ સ્વરૂપે શાળાનું પ્રાંગણ હરિયાળું જોવા મળી રહ્યું છે. શાળાના વાતાવરણમાં બદલાવને કારણે બાળકો પણ શાળાએ ઉત્સાહિત રહે છે. હવે શાળામાં બાળકોની સંખ્યા વધવા લાગી. શાળામાં નાનકડું ઔષધીવન પણ બનાવવામાં આવ્યું છે. શાળાની દિવાલો પર મૂળાક્ષરો અને જરૂરી માહિતી લખવામાં આવી છે. જેથી બાળકોની નજર તેના પર પડતી રહે અને તેમને સરળતાથી યાદ રહી જાય છે.
શાળામાં રામહાટ બનાવવામાં આવી છે. જેમાં બાળકો પોતાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પૈસા મૂકીને લઈ શકે છે. શાળામાં એક સાયકલ ઝોન બનાવવામાં આવ્યો છે. તેના ઉપર ટ્રાફિક નિયમનના સૂચનો અને ચિત્ર ગીત લખવામાં આવ્યા છે. જે કારણે બાળકોને તેની માહિતી મળી રહે છે. શાળાએ ડિજિટલ ઇન્ડિયાની યોજનાનો ભરપુર લાભ લીધો છે, અહીં પ્રોજેકટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શૈક્ષણિક ચેનલ પર આવતા શૈક્ષણિક વર્ગોના કાર્યક્રમ બતાવવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિ ગામ લોકો જાણી શકે. તે માટે QR કોડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શાળાની પ્રવૃત્તિઓની વિગત સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી જાણી શકાય છે. ઇનોવેટિવ પ્રવૃત્તિથી જાણીતી બનેલી આ શાળા અન્ય શાળાઓ કરતાં અનોખી તરી આવે છે. શાળાની સ્વચ્છતા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપવામાં આવે છે. આ શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ મળ્યો ચુક્યો છે. સારી કામગીરી બદલ નવોદય ગાંધી પરિવાર દ્વારા પણ એવોર્ડ આપવામાં આવશે. ખરેખર આ શાળા દ્વારા કરવામાં આવતી આ બધી પ્રવૃત્તિઓ સાથે બાળકોને એક માનસિક શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી છે. શાળાનો આ પ્રયાસ સરાહનીય છે, અને અન્ય શાળાઓએ પણ પ્રરણા લેવાની જરૂર છે.