પંચમહાલ : ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃ સ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળગૃહમાં આજે એક વર્ષ ત્રણ માસના બાળકને સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપતી હેન્સ માઈકલ અને લીના માર્ગરીટા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે, એક વર્ષ ત્રણ માસ અગાઉ આરવ નામનું બાળક મહીસાગર જિલ્લાના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈને થોડાક શબ્દો બોલતા પણ શીખ્યું છે.
આ પરિવારે બીજું બાળક દત્તક લીધું : ગોધરા ખાતે આજે બાળગૃહમાં સરકારી નીતિ-નિયમો મુજબ દત્તક લેનાર સ્વીડિશ દંપતી પૈકી માતા લીના માર્ગરીટા પણ વર્ષો અગાઉ તમિલનાડુના બાળગૃહમાંથી સ્વીડન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. આ ઘટનાથી પ્રેરાઈને તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઇચ્છા ધરાવતા હતા. જેને લઇને તેઓ અગાઉ પણ એક બાળક દત્તક લઈ ચૂક્યા છે અને આરવને દત્તક લેવા સાથે તેઓની વધુ એકવાર ઈચ્છા પૂરી થઈ છે. બાળકને પણ પોતાનો પરિવાર મળ્યો છે.
કેવી રીતે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો : આ પ્રસંગે પિતા હેન્સ માઈકલે જણાવ્યું હતું કે, કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવી હતી. વેબસાઈટ પર આરવનો ફોટો જોતાની સાથે પત્ની લીના માર્ગરીટાને બાળક સાથે વાત્સલ્ય અનુભવાયું હતું. તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. સ્વીડન દંપતિને આ બાળક પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ.લખારા દ્વારા સોંપવામાં આવ્યું હતું. બાળકને સ્વીડન માતા પિતા મળતા બાળગૃહના તમામ લોકોમાં ખુશી જોવા મળી હતી.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે? : જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌ પ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે.
આ પણ વાંચો : કપિરાજે ગલુડિયાને દત્તક લીધું, જુઓ વીડિયો
દંપતીનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે : આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યૂ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન- પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.
આ પણ વાંચો : એક પરિવાર દીકરીને લઈને કેન્દ્રિય પ્રધાનના આર્શીવાદ માટે દોડી આવતા હૈયા છલકાયા
બાળક દત્તક કોણ લઈ શકે છે? : કોઈ પણ દંપતી પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે. જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળકને દત્તક લઈ શકે નહીં. આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક પરિવારને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની રહે છે.