- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા AIMIM પણ મેદાને ઊતરી
- પંચમહાલના ગોધરા ખાતે AIMIM ગુજરાતના સેક્રેટરીએ યોજી બેઠક
- AIMIM ગુજરાતના સેક્રેટરી અબ્દુલ હામીદે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- ગુજરાતમાં વિકાસના નામે લોકોને છેતરવામાં આવ્યા છેઃ AIMIM સેક્રેટરી
પંચમહાલઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં યોજાવાની છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષ પણ ચૂંટણીમાં ઊતરી રહી છે. હવે AIMIMએ પણ ચૂંટણી લડવાનો મૂડ બનાવી લીધો છે. ત્યારે પંચમહાલના ગોધરા ખાતે AIMIM ગુજરાતના સેક્રેટરી અબ્દુલ હામીદે ચૂંટણીલક્ષી એક બેઠક યોજી હતી, જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ઈટીવી ભારતની ટીમે તેમની સાથે વાતચીત કરી હતી. અબ્દુલ હામીદે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની દૃષ્ટિએ ખૂબ જ પાછળ ધકેલાઈ ગયું છે. ગુજરાતના લોકોને વિકાસના નામનું ખોટું બલૂન બતાવવામાં આવી રહ્યું છે. ગુજરાત મોડેલ પણ નિષ્ફળ ગયું છે. અમે દલિતો,આદિવાસીઓ સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે તેને અમે જોઈ રહ્યા છે અમે આ બધા લોકોને સાથે રાખીને ચાલીશું.
અબ્દુલ હામીદ ભટીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન, ભરૂચ જિલ્લામાં, ગોધરા અને મોડાસામાં અમે ચૂંટણી લડીશું. તેમ જ અન્ય જિલ્લામાં પણ અમારા લીડર પહોંચી ગયા છે અને એક સરવે બાદ અન્ય જગ્યાએ પણ અમે ચટણી લડવા તૈયાર છીએ.
તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષોથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે રાજ કર્યું છે તેમ જ અન્ય સ્થાનિક નાના પક્ષોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પણ એ નિષ્ફળ ગયા હતા. અમે એક મજબૂત પાર્ટી છીએ. અમારા ધારાસભ્યો મહારાષ્ટ્ર, બિહાર અને તેલંગાણામાં છે જ તો અમે એક મજબૂત વિકલ્પ લઈને આવીશું.