- નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વાંસ અને તેની વિવિધતા પર યોજાયો સેમિનાર
- વાંસમાંથી વિવિધ કલાકૃતિ અને ફર્નિચર બનાવનારા કારીગરોએ આપી વિદ્યાર્થીઓને તાલીમ
- તાલીમમાં નવસારી KVK સાથે સંકળાયેલા ખેડૂતો પણ જોડાયા
નવસારી : ડાંગ અને નવસારીના જંગલોમાં ઉગતા વાંસ આજે વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યા છે. વાંસના વિવિધતમ ઉપયોગને કારણે વાંસ ઉગાડતા ખેડૂતો આજે એન્ટરપ્રેન્યોર બનવા તરફ પગલાં માંડી રહ્યા છે. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોનો સાથ મળતા હવે વાંસ ઉદ્યોગને એક નવો આયામ મળે એવી આશા સેવાઇ રહી છે.
ડાંગના કોટવાળીયા સમાજના કારીગરોએ વનિય કોલેજના 72 વિદ્યાર્થીઓને આપી તાલીમ
નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજ દ્વારા જંગલોમાં સહેલાઈથી ઉગી નીકળતા વાંસ પર રિસર્ચ સાથે કોલેજના વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપ કરીને નવા એન્ટરપ્રેન્યોર બનાવવાના પ્રયાસો આરંભ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના ભણતરનો ઉપયોગ વાંસની ખેતી અને તેના મુલ્યવર્ધન માટે કરી, ખેડૂતોને અને નવા સાહસિ ઉદ્યમીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે.
આજે વિશ્વ વાંસ દિવસ
આજે વિશ્વ વાંસ દિવસના ઉપલક્ષ્યમાં કૃષિ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં આયોજિત સેમિનારમાં જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિય ખેડૂતોને વાંસની ખેતી કેટલી ઉપયોગી છે અને વાંસમાંથી ફર્નિચર, કલાકૃતિ અને વાંસના અથાણા, શાક વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને યુનિવર્સિટીના બામ્બુ વર્કશોપમાં ડાંગના કોટવાળીયા સમાજના 30 જેટલા ખેડૂતો અને કારીગરોએ વાંસના ઉપયોગ થકી એન્ટિક વસ્તુઓ, કલાકૃતિ, ફર્નિચર તેમજ ખાવાની વસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપી હતી.
ગુજરાતમાં વાંસ થકી ચાલતા 200 ઉદ્યોગો
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત સેમિનારમાં વાંસ પર વિવિધ વકતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખાસ કરીને વાંસ કુદરતી રીતે ઉગી નીકળતુ એક પ્રકારનું ઘાસ છે. જેને કોઈ માવજતની જરૂર નથી પરંતુ જન્મથી લઈ મૃત્યુ સુધી વાંસ માનવ જીવનને પળે પળ ઉપયોગી સાબિત થઈ શકે છે. થોમસ આલ્વા એડિસન દ્વારા બનાવેલા પ્રથમ બલ્બની ફિલામેન્ટમાં વાંસનો ઉપયોગ થયો હતો.
ગુજરાતમાં 200 વાંસના ઉદ્યોગ કાર્યરત છે
જ્યારે વાંસ 35 ટકા વધુ ઓક્સિજન આપતો પ્લાન્ટ છે. સાથે જ ઔષધીય ગુણો અને ઘરની સાંજ સજાવટમાં પણ ખૂબ ઉપયોગી છે. આધુનિકતાના દૌરમાં રિસર્ચ કરી વાંસના રેસાઓનો ઉપયોગ કાપડ બનાવવામાં પણ થઈ રહ્યો છે. સરકાર વાંસના ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયાની સબસીડી પણ આપે છે. ગુજરાતમાં 200 વાંસના ઉદ્યોગ કાર્યરત છે.
1700 બિલિયનનો છે વિશ્વનો વાંસ ઉદ્યોગ
વિશ્વમાં વાંસ ઉદ્યોગ લગભગ 1700 બિલિયનનો ગણાય છે. જેમાં સૌથી વધુ ચીન ફાયદો મેળવે છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંસના ઉદ્યોગને પ્રોત્સાહન આપતા ચીન બાદ ભારત વિશ્વ ફલક પર વાંસનો ઉદ્યોગ કરતો દેશ થયો છે. સાથે જ સ્ટેટ બામ્બુ મિશન પણ વધુમાં વધુ લોકો વાંસની ખેતી કે વાંસની વસ્તુઓ દ્વારા એન્ટરપ્રેન્યોર બને એવા પ્રયાસો કરી રહ્યુ છે.
આર્થિક અને પર્યાવરણીય રીતે ફાયદાકારક છે વાંસ ઉદ્યોગ
વગર ખર્ચે જંગલમાં ઉગતા વાંસ ઇકોલોજીકલી, એન્વાર્યમેન્ટલી અને ઇકોનોમિકલી પણ ફાયદાકારક છે. જેથી વાંસની ખેતી અને મૂલ્યવર્ધિત વસ્તુઓ થકી નવા એન્ટરપ્રેન્યોર વાંસ ઉદ્યોગને વેગ આપી શકે છે.