- પતિનો માર સહન કરતી પત્નીએ કંટાળીને પતિની કરી હત્યા
- હત્યા બાદ પડોશીઓને જાણ થતાં ગણદેવી પોલીસમાં નોંધાવી ફરિયાદ
- હત્યારી પત્ની રૂકસાના મુઝાવરની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી
નવસારી: પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જીવનના અંત સુધી હોય છે, પણ ઘણીવાર પત્નીને દાસી સમજતા પતિ તેની સાથે મારઝૂડ કરતા હોય છે. સમાજના ડરથી પતિનો માર પણ સહન કરીને રહેતી મહિલાની ક્યારેક ધીરજ ખૂટી પડે, તો સબંધોનો કરૂણ અંત આવતો હોય છે. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવીમાં ઘટી છે. જ્યાં બેન્ક ઓફ બરોડામાંથી નિવૃત થયેલા 62 વર્ષીય ઈમ્તિયાઝ મુંઝાવર અને પત્ની રૂકસાના વચ્ચે કોઈ વાતે વિવાદ થતા રૂકસાનને માર ખાવો પડ્યો હતો. 40 વર્ષોના દાંપત્ય જીવન દરમિયાન સતત પતિનો માર સહન કરતી આવેલી રૂકસાના સાથે શનિવારે રાતે ઈમ્તિયાઝે તકરાર થતાં તેને માર માર્યો હતો. પતિનો માર ખાધા બાદ રૂકસાના તેનાથી અલગ અન્ય બેડરૂમમાં સુવા જતી રહી હતી.
જે બાદમાં વહેલી સવારે 3 કલાકની આસપાસ પતિના મારથી કંટાળેલી રૂકસાનાએ આવેશમાં આવી ભર ઉંઘમાં પડેલા પતિ ઈમ્તિયાઝના માથામાં લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં સવારે રૂકસાનાએ પાડોશી સમક્ષ રાત્રિની ઘટના વર્ણવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મા-બાપની તકરારમાં બાળકો થયા અનાથ
પિતાના મોતને લીધે માતાને જેલ થતા પારિવારિક જીવન વિતાવતા બાળકોએ પોતાના પિતા સાથે માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. બદલાયેલા જમાનામાં પતિ-પત્ની સંયમ ગુમાવીને સંબંધોની ગરિમાને ભુલી જતા હોય એવા કિસ્સાઓ સામાન્ય બન્યા છે. આ સાથે જ પત્નીને મારઝૂડ કરતા પતિઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.