નવસારી : ભારતમાં સ્વ રક્ષણ માટે માર્શલ આર્ટસમાં કરાટે ટોચ પર છે. જેમાં બ્લેક બેલ્ટની ડીગ્રી મેળવવી સ્નાતક બરાબર હોય છે. ત્યારબાદ એમાં પણ શ્રેણીબદ્ધ રીતે અન્ય બ્લેક બેલ્ટ હોય છે. પરંતુ નવસારીના વિસ્પી કાસદે કરાટેમાં માસ્ટરી મેળવ્યા બાદ વિશ્વ સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપી 5 ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યા છે. જો કે, હાલ વિસ્પીએ સમુરાઈ તલવાર બાજીમાં કાઠું કાઢ્યુ છે. જેમાં પરંપરાગત જાપાની સમુરાઈ તલવાર બાજીમાં વિસ્પી કાસદે બીજા પ્રયાસે બ્લેક બેલ્ટની ડીગ્રી મેળવી છે. વિસ્પી જાપાન બહાર તલવારમાં બ્લેક બેલ્ટ થનાર પ્રથમ ભારતીય છે. ભારતીય તલવાર અને જાપાની સમુરાઈ તલવારમાં ફરક હોય છે, જેમાં અંદાજે ત્રણ કિલોથી વધુ વજનની સમુરાઈ તલવારથી વિભિન્ન ટેકનીક શીખવાની હોય છે.
જેમાં તલવાર પકડવાથી લઇ, હસતા મોઢે મ્યાનમાંથી તલવાર કાઢવી અને ત્યારબાદ તલવારના અલગ-અલગ મુવ્સ મહત્વના હોય છે. વિસ્પી દ્વારા તલવાર બાજીની પરીક્ષામાં 108 મુવ્સ (ટેકનીક્સ) કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ જાપાનના નાગોયા શહેરના ગ્રાન્ડ માસ્ટર જુલિઓ ટોરીબિઓએ વિસ્પીને પ્રથમ બ્લેક બેલ્ટની ડીગ્રી આપી હતી. જેની સાથે જ ભારતનો સ્ટાઈલ ચીફ ઘોષિત કરવામાં આવતા, વિસ્પી ભારતમાં સમુરાઈ તલવાર માર્શલ આર્ટ શીખવી શકશે.