નવસારીઃ કોરોના કાળને કારણે અટકી પડેલી બુલેટ ટ્રેન અને એક્સ્પ્રેસ હાઇવેની જમીન સંપાદનની કામગીરીને તંત્ર દ્વારા વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં શુક્રવારના રોજ વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની જાહેરાત કરવા અધિકારીઓ પહોંચ્યા હતા. પરંતુ વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વળતર ન લેવાનું મન બનાવી ચૂકેલા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
![બુલેટ ટ્રેન વિરોધઃ વર્ષ 2011ની જંત્રી આધારે વળતરના અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-bullet-train-virodh-rtu-gj10031_10092020214224_1009f_1599754344_484.jpg)
જયારે જિલ્લાના 28 ગામોના મોટા ભાગના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સરકારી વળતરનો વિરોધ નોંધાવી લેખિત રજૂ કરી હતી અને બજાર કિંમતના 4 ગણા વળતરની માગ કરી હતી.
![નબુલેટ ટ્રેન વિરોધઃ વર્ષ 2011ની જંત્રી આધારે વળતરના અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-bullet-train-virodh-rtu-gj10031_10092020214224_1009f_1599754344_95.jpeg)
મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાની એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેન યોજના નવસારીમાં જમીન સંપાદનને લઈ અટકી છે. બે વર્ષોથી ખેડૂતો બજાર કિંમતના 4 ગણ વળતરની માગ કરી રહ્યા છે, પરંતુ સરકાર વર્ષ 2011ની જંત્રી અનુસાર વળતર ચૂકવવાની તૈયારી કરી ચૂકી છે.
![બુલેટ ટ્રેન વિરોધઃ વર્ષ 2011ની જંત્રી આધારે વળતરના અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-bullet-train-virodh-rtu-gj10031_10092020214224_1009f_1599754344_1078.jpg)
જેને કારણે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ વ્યાપ્ત છે. જેથી કોરોના કાળમાં અટકી પડેલું ખેડૂતોનું આંદોલન ફરી વેગ પકડી રહ્યુ છે. ગુજરાત ખેડૂત સમાજે દક્ષિણ ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ કરી ખેડૂતોને એક કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત 28 ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવા સાથે જ તેમને વળતર ચૂકવવાની તૈયારી હાથ ધરી છે.
ગુરૂવારે ચીખલી તાલુકાના વંકાલ ગામે તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વર્ષ 2011ની જંત્રી અનુસાર વળતર આપવા મુદ્દે ભેગા કર્યા હતા પરંતુ વિરોધનો સુર છેડી ચૂકેલા ખેડૂતોએ તંત્રની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાના અસરગ્રસ્ત 28 ગામોમાંથી ખેડૂતો વંકાલ પહોંચ્યા હતા.
જેને લઈને તંત્રના મુખ્ય અધિકારીઓ વિવાદથી દૂર રહ્યા હતા અને તલાટીને મોકલીને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ખેડૂતોએ મક્કમતાથી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સરકારી વળતરનો અસ્વિકાર કરી એક વીઘા જમીનના 55 લાખ રૂપિયા ગણી, તેના 4 ગણા રૂપિયા વળતરની માંગણી કરી લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો.
વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વીઘે 24.76 લાખનું સરકારી વળતર !!
ભારત સરકારની અમદાવાદથી મુંબઈ સુધીનો હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનને લઈને અટવાયો છે. જેમાં નવસારી જિલ્લાના ખેડૂતોનો વિરોધ અને કાયદાકીય લડાઈને કારણે જિલ્લામાં જમીન સંપાદન થઇ શક્યુ નથી. કોરોના કાળ પૂર્વે જિલ્લાના 5 ગામોમાં જ્યાં માપણી બાકી હતી, ત્યાં જમીન સંપાદન અધિકારીએ શામ, દંડ, ભેદ અપનાવીને માપણી પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો હતો અને આખરી જાહેરનામું પણ બહાર પાડી દીધુ હતુ.
જો કે, કોરોનાને કારણે અટકેલી જમીન સંપાદનની કામગીરી ફરી શરૂ થઇ છે. જેમાં જિલ્લાની જંત્રી અવાસ્તવિક હોવાનો કલેક્ટરનો રીપોર્ટ હોવા છતાં તંત્ર દ્વારા હાલમાં વર્ષ 2011ની જંત્રી અનુસાર વળતર નક્કી કરવામાં આવી રહ્યુ છે. આજે ગુરૂવારે ચીખલી તાલુકાના વંકાલ ગામે 161 રૂપિયા જંત્રી ગણવામાં આવી હતી અને સરકારી નિયમાનુસાર પ્રતિ ચોરસ મીટર 1041.25 રૂપિયા વળતર નક્કી કર્યુ છે, જેના આધારે 1 વીઘા જમીનના24,76,093 રૂપિયા વળતર ખેડૂતોને આપવાની જાહેરાત કરી હતી અને જો ખેડૂત અસ્વિકાર કરે, તો પ્રતિ ચોરસ મીટર ફક્ત 644 રૂપિયા વળતર ચૂકવાશે. જો કે, સમગ્ર મુદ્દે ખેડૂતોએ લેખિતમાં વિરોધ નોંધાવી એક વીઘાના 55 લાખ રૂપિયા પ્રમાણે ચાર ગણા વળતરની માંગણી કરી હતી.
દક્ષિણ ગુજરાતમાંથી એક પછી એક અનેક સરકારી પ્રોજેક્ટમાં ખેડૂતોની કિંમતી જમીન જઈ રહી છે. ફ્રેટ કોરીડોર, એક્સ્પ્રેસ હાઈ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ વર્ષ 2013 ના જમીન સંપાદન કાયદા અને ગુજરાત સરકારે વર્ષ 2016 માં જંત્રીમાં સુધારા કરવાના ઘડેલા નિયમોનું તંત્ર દ્વારા પાલન ન કરી, વર્ષ 2011ની અવાસ્તવિક જંત્રી અનુસાર વળતર ચૂકવવાની તૈયારી કરી છે. બીજી તરફ સુરત જિલ્લાના જંત્રીમાં સુધારો કરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે, ત્યાં સુરતની સરખામણીમાં નવસારી જિલ્લાની જંત્રીમાં કોઈ સુધારો ન થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કાયદાકીય લડાઈ લડવા સાથે જ લોક આંદોલન છેડવાની રણનીતિ ઘડી કાઢી છે.