- સુરત રિજનલ વેક્સિન સેન્ટરથી નવસારી પહોંચી કોવિશિલ્ડ
- પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડના 11,600 ડોઝ નવસારી આવ્યા
- જિલ્લાના 55 કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાશે કોવિશિલ્ડ
નવસારીઃ 21 મી સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભારતમાં લાખો લોકોને ચપેટમાં લઇ ઘણાના જીવ પણ લીધા છે, જોકે કોરોનાને નાથવાનો તોડ શોધવામાં ભારતને સફળતા મળી છે અને આજે કોવિશિલ્ડ વેક્સિન નવસારીના આંગણે પહોંચી છે. પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડના 11,600 ડોઝ નવસારી જિલ્લા વેક્સિન સેન્ટર ખાતે પહોંચતા જ નવસારીના ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારીએ નારિયેળ વધાવી, પૂજન કરી વેકસિનના વધામણાં કર્યા હતા.
કોવિશિલ્ડ વેકસીનની પૂજા કરી લેવાયા વધામણાં
કોરોનાની સામે ભારતીયો મોઢે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સની લડાઈ લડી રહ્યા છે. જોકે તેની સાથે સાથે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસી બનાવવા કમર કસી હતી, જેમાં ભારતને સફળતા મળી છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિન કોરોનાનો તોડ સાબિત થઈ છે અને સરકારે કોવિશિલ્ડનો પ્રથમ તબક્કાનો જથ્થો અન્ય જિલ્લાઓ સાથે આજે મોડી સાંજે નવસારીના જિલ્લા વેક્સિન સેન્ટર ખાતે પહોંચાડ્યો હતો. જ્યાં નવસારીના ડીડીઓ પ્રશસ્તિ પરીખે નારિયળ ફોડીને વેક્સિનના વધામણાં કર્યા હતા. ધારાસભ્ય પિયુષ દેસાઈએ હાર પહેરાવ્યો હતો. જ્યારે વેક્સિન ઇન્ચાર્જ સુજીત પરમારે વેક્સિન બોક્સને વધાવી કોરોનાને નાથવા માટેની કામના કરી હતી.
વેક્સિન માટે જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરાઇ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની રસી સાચવવા માટે જિલ્લા વેક્સિન સેન્ટર સાથે જ તમામ તાલુકાઓમાં PHC અને CHC સેન્ટરો મળીને કુલ 55 કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લા વેક્સિન સેન્ટર પરથી તાલુકાઓમાં વેક્સિન પહોંચાડ્યા બાદ 16 જાન્યુઆરીથી 6 સ્થળોએ પ્રથમ 100-100 ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી મુકવમાં આવશે. આરોગ્ય વિભાગે ગત દિવસોમાં જિલ્લા અને તાલુકા સ્તરે યોજેલી કુલ 18 ડ્રાયરનમાં પડેલી મુશ્કેલીઓને સુધારી, યોગ્ય રીતે રસીકરણ થઈ શકે, એવી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પ્રથમ 9,500 ફ્રન્ટ લાઇન વોરિયર્સનું થશે રસીકરણ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી કુલ 9,500 ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પ્રથમ રસીકરણ કરાશે. ત્યારબાદ બીજા તબક્કામાં 3 લાખથી વધુ 50 વર્ષથી ઉપરના આધેડ અને 15 હજાર કોમોર્બીડ વ્યક્તિઓ અને ત્રીજા તબક્કામાં સરકારી અધિકારી-કર્મચારીઓ, પોલીસકર્મીઓ, પત્રકારો કોરોના વોરિયર્સને રસી અપાશે.
રસીકરણ થકી નવસારીની કોરોના મુક્ત બનાવવાની આશા
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં હવે કોવિશિલ્ડ આવતા નવસારી જિલ્લો વહેલા તકે કોરોના મુક્ત બને એવી આશા સેવાઇ રહી છે.