- નવસારીમાં કરોડો રૂપિયાની જમીન પચાવનારા ઝડપાયા
- સુરતના ભુમાફિયાઓએ NRIની જમીન પચાવી
- પોલીસે બે વર્ષ બાદ આરોપીઓની ધરપકડ કરી
નવસારી: જિલ્લામાં નેશનલ હાઈ-વે નં. 48 ને અડીને આવેલી કરોડો રૂપિયાની ઘણી જમીનો બોગસ દસ્તાવેજોને આધારે પચાવી પાડી હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં ગત વર્ષ 2018 માં નવસારી તાલુકાના અષ્ટગામે રહેતા વીનું પટેલ અને NRI કુટુંબીઓની સહિયારી ભુલા ફળિયા ગામની બ્લોક સર્વે નં. 212 થી 216 અને અષ્ટગામની 585 વાળી સંયુક્ત જમીન 33.51 કરોડમાં વેચાણે લીધા બાદ સુરતના હંસરાજ ગોંડલિયા અને તેમના સાગરીતોએ જમીન માલિક વીનું પટેલને વિશ્વાસમાં લઇ પ્રથમ અઢી કરોડ રૂપિયા ચુકવ્યા હતા. બાદમાં વેચાણ કિંમત લખ્યા વિનાના વેચાણ સાટાખાતો બનાવી વિનુભાઈની સહી કરાવી લીધી હતી. જ્યારે બાકીના 31.01 કરોડ રૂપિયા ચુકવ્યા હોવાના બેંકના ખોટા ઍકનોલેજમેન્ટ લેટરો બતાવી ચુકવ્યા ન હતા.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, 7 દિવસના રિમાન્ડ મેળવ્યા
જેથી જમીન માલિક વીનું પટેલે સીટમાં ફરિયાદ કરી હતી અને સીટના હુકમાનુસાર ગત તા. 2 જી સપ્ટેમ્બર, 2018 ના રોજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હંસરાજ ગોંડલિયા, તેના પુત્ર પ્રશાંત ગોંડલિયા સહિત સુરતના રોમિત પટેલ, પંકજ ચાવડા અને વકીલ એ. એ. શેખ સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં હંસરાજ, પ્રશાંત અને વકીલ શેખે પોતાની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટમાંથીનો કોઝ ઓફ એક્શનનો આદેશ મેળવ્યો હતો. જોકે, રોમિત પટેલ અને પંકજ ચાવડા બે વર્ષોથી ફરાર હતા. જેઓ વિશે બાતમી મળતા નવસારી ગ્રામ્ય પોલીસે રોમિત અને પંકજને શનિવારે મોડી સાંજે ઝડપી પાડ્યા હતા. જ્યારે બંનેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે નવસારી કોર્ટમાંથી 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.