નવસારી: બીલીમોરા નગરપાલિકાના વર્તમાન કરાર આધારિત ચીફ ઓફિસરનો કાર્યકાળ ગત 16 મેના રોજ પૂર્ણ થયો છે. જેથી મુદ્દત પુરી થતા સુરત પ્રાદેશિક નિયામકને પત્ર લખી, પોતાની ફરજ પરથી છૂટા થવા રાજીનામુ આપ્યું છે. જેને કારણે કોરોના કાળની વિકટ સ્થિતિમાં બીલીમોરા પાલિકામાં નીતિ વિષયક વહીવટી નિર્ણયો તેમજ જાહેર હિતના કામોમાં સીઓ વિના મુશ્કેલીઓ થઇ રહી છે. તેમ છતાં બીલીમોરા નગરપાલિકાના સીઓનો ચાર્જ કોઈને સોંપવામાં આવ્યો નથી.
બીલીમોરા નગરપાલિકામાં ગત 19 જુલાઈ 2018થી અનંત પટેલે 11 માસના કરાર આધારે ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રથમ તેમની નિમણુંક 19 જુલાઈ, 2018થી 17 જૂન, 2019 સુધી એટલે કે 11 માસનો કરાર આધારિત હતી. જે બાદ કરાર રીન્યુ થતા બીજી ઈંનિગમાં 20 જુલાઈ, 2019 થી 16 મે, 2020 સુધી ચાલી હતી, પરંતુ બીજી ઇનિંગના અંતે સીઓ અનંત પટેલનો કરાર ત્રીજી ટર્મ રીન્યુ થયો ન હતો. જેથી બીલીમોરા પાલિકાના ચીફ ઓફિસર અનંત પટેલે કરારની અંતિમ તારીખ 16 મે, 2020ના રોજ દક્ષિણ ગુજરાતની નગર પાલિકાઓના સુરત ઝોનના પ્રાદેશિક નિયામકને ઉદ્દેશીને રાજીનામા પત્ર પાઠવ્યો હતો. જેમાં તેમની કરારની મુદત પૂર્ણ થતી હોય ચીફ ઓફિસર તરીકેની ફરજમાંથી છુટો થાઉં છુંની જાણ કરી હતી. જેથી પાલિકાના સીઓ પટેલે પ્રાદેશિક નિયામકને પત્ર લખી ફરજ મુક્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન-4માં બીલીમોરા પાલિકા ચીફ ઓફિસર વિના નધણીયાતી બની છે. પરિણામે અગત્યના નિર્ણય તેમજ નીતિવિષયક અને વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ત્રણ દિવસો વિતવા છતાં હજી કોઈને બીલીમોરા પાલિકાના સીઓનો ચાર્જ આપવામાં આવ્યો નથી, ત્યારે કોરોના કાળમાં વહેલી તકે પાલિકા સીઓનો ચાર્જ સક્ષમ અધિકારીને ફાળવવામાં આવે એવી માંગ ઉઠી છે.