નવસારી: ગુજરાત સહીત નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નવસારીમાં કોરોના સ્થાનીય સ્તરે ફેલાઈ રહ્યો છે, ત્યારે શનિવારે નવસારીમાં નવા 17 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કુલ 360 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.
![કોરોનામાં મોતને ભેટનારાઓના મૃતદેહોને કરવો પડે છે રઝળપાટ, વિરોધ વચ્ચે થાય છે અંતિમ સંસ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-mrutdeh-razalpat-rtu-gj10031_18072020220025_1807f_1595089825_1035.jpeg)
કોરોનાના કેસો વધતા જિલ્લામાં મૃત્યુ દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 23 દર્દીઓના મોત થયા છે. જોકે કોરોનાને કારણે મોતને ભેટનારા લોકોના મૃતદેહોએ ગત દિવસોમાં રઝળપાટ કરવો પડ્યો હતો. જેમાં ગણદેવી, બીલીમોરા અને ચીખલીના સ્મશાન ગૃહોમાં કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહો જતા જ, સ્થાનિકોએ હંગામો મચાવી અંતિમ સંસ્કાર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો.
![કોરોનામાં મોતને ભેટનારાઓના મૃતદેહોને કરવો પડે છે રઝળપાટ, વિરોધ વચ્ચે થાય છે અંતિમ સંસ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-mrutdeh-razalpat-rtu-gj10031_18072020220025_1807f_1595089825_670.jpg)
ગત બુધવારે નવસારીથી ચીખલી સ્મશાન ગૃહમાં કોરોનાના મૃતકનો મૃતદેહ લઇ જવાતા ઉગ્ર વિરોધ થયો હતો. બાદમાં મૃતદેહને બીલીમોરા સ્મશાન ગૃહ લઇ જવાયો હતો. પરંતુ ત્યાં ભઠ્ઠી બંધ હોવાનું જણાવતા, મૃતદેહને ગણદેવી સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પણ ભઠ્ઠી ઓપરેટરે અગ્નિ સંસ્કાર કરવાનો વિરોધ નોંધાવતા ટ્રસ્ટીઓ દોડતા થયા હતા.
![કોરોનામાં મોતને ભેટનારાઓના મૃતદેહોને કરવો પડે છે રઝળપાટ, વિરોધ વચ્ચે થાય છે અંતિમ સંસ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-mrutdeh-razalpat-rtu-gj10031_18072020220025_1807f_1595089825_223.jpg)
ગણદેવી સ્મશાન ગૃહમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોતને ભેટેલા કુલ 5 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ ઓપરેટરને સુરક્ષા અને અન્ય સહયોગ ન મળતા, તેણે નોકરી છોડી દેવાની ધમકી આપી હતી. જેને કારણે ગણદેવી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં ઓપરેટરને સુરક્ષા કવચ આપવા વીમો તેમજ અન્ય સુવિધા આપવાની તૈયારી દર્શાવી હતી.
![કોરોનામાં મોતને ભેટનારાઓના મૃતદેહોને કરવો પડે છે રઝળપાટ, વિરોધ વચ્ચે થાય છે અંતિમ સંસ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-mrutdeh-razalpat-rtu-gj10031_18072020220025_1807f_1595089825_96.jpg)
સાથે જ કોરોનાને કારણે મૃત્યુ પામનારાનો મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવે, તો માનવતાના ધોરણે મૃતદેહને સ્વિકાર કરવો, પણ મૃતદેહ સાથે અગ્નિ દાહ કરનારા ઓપરેટરને લાવવો પડશેનો ઠરાવ કર્યો હતો. જોકે સમગ્ર મુદ્દે જિલ્લા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ગાઈડ લાઈન જાહેર ન કરતા સ્મશાન ગૃહોના સંચાલકો મૂંઝવણમાં છે, સાથે જ તંત્ર ગાઈડ લાઈન જાહેર કરે એવી માંગ પણ કરી રહ્યા છે.