નવસારી: જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પૂર્વ પટ્ટીના વિસ્તાર ચીખલી, ખેરગામ વાસંદાના ગ્રામ્ય વિસ્તારોમાં ખોરાકની શોધમાં દીપડાઓના આંટા ફેરા વધવાની સાથે તેના હુમલાઓ પણ વધ્યા છે.
પંદર દિવસ અગાઉ ચીખલીના ફડવેલ ગામમાં માનવભક્ષી દીપડાએ એક યુવતીનો શિકાર કર્યો હતો. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. મામલાની ગંભીરતાને જોતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દીપડાને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા ફડવેલ ગામમાં મારણ કરવા આવેલો દીપડો પાંજરે પુરાયો હતો.
દીપડાના ભયમાંથી મુક્તિ: રાત્રિ દરમિયાન પાંજરે પુરાયેલા દીપડાને વહેલી સવારે ગ્રામજનોએ જોતા ચીખલી વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેને લઈને ચીખલી વન વિભાગ પણ તાત્કાલિક ગામે પહોંચી દીપડાનો કબજો લઈ મેડિકલ કરવાની તજવીજ હાથ ધરી હતી. માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાતા ફળવેલ તથા આસપાસના ગામોના લોકો દીપડાના ભયમાંથી મુક્તિ મળી છે.
ચીખલી વન વિભાગના અધિકારી આકાશ પડશાલાએ જણાવ્યું હતું કે દીપડાને પકડવા માટે અમે ચીખલીના અલગ અલગ વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવ્યા હતા. જેમાં ફળવેલ ગામ ખાતે મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા અમે તાત્કાલિક દીપડાનો કબજો મેળવી તેની વેટરનરી ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. જેમાં દીપડો સ્વસ્થ હોવાનું જણાવતા દીપડો ફરીવાર કોઈને શિકાર ન બનાવે તે હેતુસર તેને જુનાગઢના સક્કરબાગ ઝુમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.