- સોલધરાના ઇકો પોઇન્ટમાં તળાવમાં બોટ પલટી જતા 4 લોકોના થયા હતા મોત
- એક સાથે 4 લોકોની અંતિમયાત્રા નિકળી
- અમદાવાદથી બહેન-ભાણિયા આવતા સોની પરિવાર ફરવા ગયો હતો
- પોલીસે ઇકો પોઇન્ટના સંચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી કરી ધરપકડ
નવસારી : ચીખલીના સોલધરા ગામે રવિવારની સાંજે મામાના ઘરે બહેન-ભાણિયા સાથે ફરવા ગયેલા સોની પરિવારને કાળ ભેટ્યો હતો. ઇકો પોઈન્ટના તળાવમાં બોટ પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં ભાઈ-બહેન અને 2 ભાણિયાઓના મોત નિપજ્યા હતા. જેની અંતિમ યાત્રા ચીખલીના જોષી મોહલ્લાથી નીકળતા જ ગામ હિબકે ચઢ્યું હતુ.
ઓવરલોડને કારણે બોટ પલટી
ચીખલીના જોષી મોહલ્લામાં રહેતા રીતેશ સોનીની બહેન ક્રિષા મીલન સોની, તેના પુત્ર જેનીલ અને પુત્રી હેન્સી સાથે અમદાવાદથી પિયર આવી હતી. બહેન-ભાણિયા આવ્યા હોવાથી રીતેશ, તેની પત્ની, નાનો ભાઈ મેહુલ, બહેન ક્રિષા અને બંને ભાણિયા રવિવારની રજા હોવાથી સોલધરા ગામે આવેલા ઇકો પોઈન્ટમાં ફરવા ગયા હતા. ઇકો પોઇન્ટમાં ફર્યા બાદ તેઓ બોટીંગ કરવા ગયા હતા. જ્યાં સુરતના પરિવાર સાથે તેઓ પણ તારપા (બોટ) પર બેઠા હતા. પરંતુ ઓવરલોડ થવાને કારણે બોટ પલટી હતી અને તમામ લોકો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં સોની પરિવારમાં અમદાવાદથી આવેલી બહેન ક્રિષા, તેનો પુત્ર જેનીલ, પુત્રી હેન્સી અને ભાઈ મેહુલના તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા.
એક સાથે ચાર અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું
સોલધરામાં જીવ ગુમાવનારા મેહુલ સોની સાથે બહેન ક્રિષા અને બંને ભાણિયાના અંતિમ સંસ્કાર ચીખલીમાં જ કરવામાં આવ્યા હતા. ચીખલીના જોષી મોહલ્લામાં ચારેયના મૃતદેહો આવ્યા બાદ એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું હતું. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત ચીખલીના આગેવાનો પણ સોની ભાઈ-બહેનની અંતિમ યાત્રામાં જોડાયા હતા, સાથે જ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ઇકો પોઇન્ટના સંચાલક વિરુદ્ધ FSL સાથે પોલીસે તપાસ આરંભી
ચીખલીના સોલધરા ગામે રહેતા અશોક પટેલે ઇકો પોઈન્ટ ‘મામાના ઘર’ના નામથી વિકસાવ્યું હતું. જ્યાં માછલા ઉછેરના તળાવમાં પ્લાસ્ટિકના પીપળા ઉપર લાકડાના પાટીયા મૂકી બનાવેલી તારપા (બોટ) દ્વારા બોટીંગની સુવિધા પણ પર્યટકો માટે ઉભી કરી હતી. જો કે, ગત રોજ રવિવારે ઓવરલોડને કારણે બોટ પલટી જતા પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં પોલીસે સંચાલક અશોક પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ચીખલી પોલીસે આરોપી સંચાલકને સાથે રાખી, બોટની સુરક્ષા, તળાવ કેટલું ઉંડું છે તેમજ કોઈ અકસ્માત થાય, તો બચાવ કામગીરીની શું વ્યવસ્થા છે વગેરે મુદ્દે તપાસને વેગ આપ્યો છે. સાથે જ FSLની ટીમે પણ બોટનું બારીકાઇથી નિરીક્ષણ કરી, બોટ પલટવાનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો.
ઇકો પોઇન્ટની ઘટનામાં તંત્રની પણ બેદરકારી
ઉલ્લેખનિય છે કે, ઇકો પોઇન્ટના તળાવમાં માછલા ઉછેરવામાં આવે છે, જેના વિકાસ માટે તંત્ર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પરંતુ બોટિંગમાં સુરક્ષાનો અભાવ હોવાને કારણે ઉંડા તળાવમાં બોટિંગની મજા માણવા આવેલા પર્યટકોને મોતનો ભેટો થયો હતો. જેથી સંચાલક સાથે તંત્રની પણ બેદરકારી સામે આવી હતી.