- ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા કરનારા આદિવાસી યુવાનો સામે નોંધાઈ છે બાઈક ચોરીની ફરિયાદ
- ફરિયાદીની બાઈક એક વર્ષથી બિન ઉપયોગી પડી હતી
- આરોપીઓને ઓળખતો ન હતો, પણ પોલીસે ફરિયાદમાં નામ લખ્યા
નવસારી : ચીખલી પોલીસ મથક(Chikhli police station)ના શકમંદ આરોપીઓના આપઘાત બાદ નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં ફરિયાદીએ પોલીસ કાર્યવાહી સામે જ સવાલો ઉભા કરી દીધા છે. 19 જુલાઈએ બાઇક ચોરાયાના એક કલાકમાં જ બાઈક મળી ગઇ હોવા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી, પણ 23 તારીખે પોલીસે અચાનક ફરિયાદીને બોલાવી તેની વિગતો નોંધ્યા બાદ, લાઇટ જવાના કારણે સાંજે બોલાવી ફરિયાદ પર ઉતાવળે સહી કરાવ્યાના આક્ષેપો ખુદ ફરિયાદીએ જ લગાવ્યા છે. જેના કારણે મૃત્યુ બાદ શકમંદ યુવાનોની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ સામે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
આ પણ વાંચો- Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ
મૃતક યુવાનો સામે નોંધાયેલી બાઈક ચોરીની ફરિયાદ જ શંકા ઉપજાવનારી
ચીખલી પોલીસે 19 જુલાઈએ ડાંગ જિલ્લાના વઘઈ ખાતે રહેતા રવિ જાધવ અને 20 જુલાઇએ ઢોલીપાડાના સુનિલ પવારને ચોરીના ગુનામાં શકમંદ તરીકે ઉઠાવ્યા હતા, પરંતુ બન્ને શકમંદ યુવાનોએ 21 જુલાઇની વહેલી સવારે ચીખલી પોલીસ મથક(Chikhli police station)માં જ આપઘાત કરી લીધો હતો.
પોલીસે નોંધેલી બાઈક ચોરીની ફરિયાદ સામે ખુદ ફરિયાદી નરેશ રાજપૂતે વાંધો ઉઠાવ્યો
સમગ્ર પ્રકરણમાં ચીખલી પોલીસે બન્ને શકમંદ યુવાનોને પકડ્યા હોવાની પોલીસ ચોપડે કોઇ નોંધ કરી ન હતી, પરંતુ ચીખલી પોલીસે નોંધેલી બાઈક ચોરીની ફરિયાદ સામે ખુદ ફરિયાદી નરેશ રાજપૂતે(Naresh Rajput) વાંધો ઉઠાવ્યો છે. કારણ ફરિયાદમાં પોલીસે બાઈક ચોર તરીકે પોલીસ મથકમાં આપઘાત કરનાર બન્ને શકમંદ આદિવાસી યુવાનો રવિ અને સુનિલને આરોપી બતાવ્યા છે.
11 વાગ્યે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, ફરિયાદ નોંધી નહીં પણ કલાકમાં બાઈક ઓળખ કરવા બોલાવ્યા
નરેશ રાજપુત(Naresh Rajput)ના ઘરની બહારથી એક વર્ષથી બિન ઉપયોગી બાઈક ચોરાઈ હતી, પણ કોણે ચોરી હતી એની ખબર જ ન હતી. 19 જુલાઈએ બાઈક ચોરાયાની જાણ થયા બાદ નરેશ સવારે 11 વાગ્યે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયો, ત્યારે પોલીસે બાઈકની વિગત સાદા કાગળમાં નોંધી હતી, પણ ફરિયાદ લીધી ન હતી. બાદમાં અંદાજે એક કલાકમાં જ તેમને પોલીસ મથકે બોલાવી તેમની ચોરાયેલી બાઈકની ઓળખ કરાવી હતી, પરંતુ ત્યાર પછી પણ પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી ન હતી.
પોલીસે નરેશને ઉતાવળે ફરિયાદ પર સહી કરાવી લીધી હોવાના આક્ષેપ
23 જુલાઈએ પોલીસે ફરી નરેશ રાજપૂત(Naresh Rajput)ને બોલાવી તેમની પાસેથી બાઇક અને તેમની વિગતો માંગી હતી. જો કે, એજ સમયે લાઇટ જતા, પોલીસે તેમને સાંજે બોલાવ્યા હતા. સાંજે 5 વાગ્યાના સુમારે નરેશ જ્યારે ચીખલી પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની પાસે ઉતાવળે ફરિયાદ પર સહી કરાવી લીધી હોવાના આક્ષેપ ખુદ નરેશ રાજપૂતે લગાવ્યો છે.
નરેશ રાજપૂતના ઘર બહારથી બંધ બાઈક ચોરાઈ એ પણ આશ્ચર્ય..!!
ફરિયાદી નરેશ રાજપૂત(Naresh Rajput)ના ઘરની બહાર બંધ અને બિન ઉપયોગી બાઈક સાથે જ તેમની અન્ય બાઈક અને પડોશીઓની બાઈક પણ પાર્ક કરી હતી. પરંતુ ચોરો બંધ પડેલી બાઇક જ ચોરી ગયા હોવાની આશ્ચર્યજનક વાત પણ સામે આવી છે.
મૃતક આદિવાસી યુવાનોના આપઘાત બાદ નોંધાયેલી બાઈક ચોરીની ફરિયાદ સામે ઉઠેલા સવાલો
- ફરિયાદી નરેશ રાજપૂતની એક વર્ષથી બંધ પડેલી બાઇક 19 જુલાઈએ ચોરાયાના કલાકોમાં જ મળી હોવા છતાં ચીખલી પોલીસે એ જ દિવસે ફરિયાદ કેમ ન નોંધી..?
- ફરિયાદી નરેશ રાજપૂતને 23 જુલાઈએ વિગત લેવા બોલાવ્યા બાદ પોલીસે બંને મૃતક શકમંદ યુવાનોને સીધા આરોપી કયા આધારે બતાવ્યા..?
- ફરિયાદી નરેશ રાજપૂત બાઈક ચોરીના આરોપીઓ રવિ જાધવ અને સુનીલ પવારને ઓળખતા ન હતા, તો ફરિયાદમાં બન્ને આરોપીઓના નામ કોણે લખાવ્યા..?
- 19 જુલાઈએ મળી ગયેલી નરેશ રાજપૂતની બાઈકની નોંધ એ જ દિવસે ચીખલી પોલીસે, પોલીસ ચોપડે પાડી હતી કે કેમ..?
આ પણ વાંચો- ખટોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી
પોલીસ કોઇ પણ વ્યક્તિને આરોપમાં પકડે તેને 24 ક્લાકમાં કોર્ટમાં રજૂ કરવાનો હોય છે
કાયદાના જાણકારો અનુસાર પોલીસ કોઇપણ વ્યક્તિને કોઈ આરોપમાં પકડે, તો તેને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. પૂછપરછ માટે લાવ્યા હોય, તો પણ તેને પૂછપરછ બાદ છોડવાનો હોય છે, પણ ચીખલી પોલીસ મથકમાં આપઘાત પ્રકરણમાં પોલીસે રવિ જાધવ અને સુનીલ પવારને ચોરીના ગુનામાં પકડ્યા હોવા છતા, તેમને કોર્ટમાં રજૂ કરવાની વાત તો દૂર પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં નોંધ સુદ્ધા કરી ન હતી. જેના કારણે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો- વરાછા પોલીસ મથકમાં વધુ એક કસ્ટડીયલ ડેથ
આ પણ વાંચો- સુરત કસ્ટડીયલ ડેથ કેસમાં 2 પોલીસ આરોપીઓએ કર્યું સરેન્ડર
આ પણ વાંચો- સુરત કસ્ટડીયલ ડેથ મામલોઃ મૃતકનો પરિવાર પહોંચ્યો સુરત, ન્યાયની કરી માગ
આ પણ વાંચો- ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલે ડાંગ જિલ્લો આજે બંધ
આ પણ વાંચો- વડોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
આ પણ વાંચો- જામનગર કસ્ટડીયલ ડેથ કેસઃ સંજીવ ભટ્ટ સુપ્રીમમાં જામીન અરજી કરે તેવી વકી