- સુરખાઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાશે ખેડૂત સંમેલન
- નવસારી, ડાંગ અને વલસાડના ખેડૂતોને કૃષિ કાયદો સમજાવવાનો થશે પ્રયાસ
- મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નવસારી : ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાને લઇને દિલ્હી બોર્ડર પર 22 દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને વિપક્ષી દળોએ સમર્થન આપ્યા બાદ સમગ્ર મુદ્દો રાજકીય રંગે રંગાયો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ ખેડૂત સંમેલનો યોજીને કૃષિ કાયદાના ફાયદા વિષે ખેડૂતોને માહિતગાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં શુક્રવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નવસારીના સુરાખાઇ ખાતે ત્રણ જિલ્લાના 400 ખેડૂતોને કૃષિ કાયદા વિશે સમજ આપશે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કૃષિ કાયદાની માહિતી આપી મેળવાશે સમર્થન
ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતની વાત સાથે લાવવામાં આવેલા કૃષિ કાયદાઓનો પંજાબ અને હરિયાણાના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને કારણે બેકફૂટ પર આવેલી મોદી સરકારે અન્ય રાજ્યોના ખેડૂતોને કાયદા વિશેની માહિતી આપવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને કૃષિ કાયદા વિશે માહિતગાર કરવા ખેડૂત સંમેલનો શરૂ કર્યા છે. જેમાં નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇ ગામે જ્ઞાનકિરણ ધોડિયા સમાજ વાડી ખાતે શુક્રવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે. કોરોના કાળને કારણે સુરખાઇ ખાતે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના 400 ખેડૂતોને મુખ્ય પ્રધાન રૂપાણી કૃષિ કાયદા વિશેની માહિતી આપી, મોદી સરકારના નિર્ણય પ્રત્યે હકારાત્મક સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. ખેડૂત સંમેલનને લઇ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન સાથે જ રાજ્યના સામાજિક ન્યાય સમિતિના પ્રધાન ઈશ્વર પરમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે.
વલસાડમાં જળ યોજનાના ખાતમુર્હત બાદ નવસારીમાં ખેડૂત સંમેલન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી શુક્રવારે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં પ્રથમ વલસાડ ખાતે કરોડોની જળ યોજનાનું ખાતમુર્હત કર્યા બાદ તેઓ નવસારીના સુરખાઇ ખાતે ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. મુખ્ય પ્રધાન હેલીકોપ્ટર મારફતે ચીખલીના આલીપોર ખાતેના હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ, સડક માર્ગે સુરખાઇ કાર્યક્રમ સ્થળે પહોંચશે.
ખેડૂત સંમેલનને ધ્યાને રાખી ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ચીખલીના સુરખાઇ ગામે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજીત ખેડૂત સંમેલનને ધ્યાને રાખી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. કાર્યક્રમને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા સહિત 5 નાયબ પોલીસ અધિક્ષક, 11 પોલીસ ઇન્સ્પેક્ટર, 16 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 230 પોલીસ જવાનો અને 175 હોમગાર્ડના જવાનો મળી કુલ 438 પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.