નવસારી: જીલ્લો બાગાયતી પાકના વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીંના ખેડૂતોનો મુખ્ય પાક કેરી, ચીકુ, શેરડી અને ડાંગર છે. નવસારીના ખેડૂતો ખેતી કરવા માટે આર્થિક દેવું પણ કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા વાતાવરણ અને કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સાથે દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો ખેતી કરવા માટે પણ ચિંતિત બન્યા હતા. પરંતુ આતો ધરતીપુત્ર છે અનાજ ઉગાડવા માટે રાત-દિવસ જાગે છે. ત્યારે નવસારીના ખેડૂતોએ ખેતી કરવા માટે નેપિયર ઘાસ શોધી કાઢયું છે. જે લાખોની આવક નવસારીના ખેડૂતોને આપી રહ્યું છે.
નેપિયર ઘાસની ખેતી: નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી ચીખલી વિસ્તારમાં શેરડીનું વાવેતર કરતા ઘણા ખેડૂતો નેપિયર ઘાસની ખેતી તરફ વળ્યા છે. ઓછી મહેનત અને નુકસાન રહિત સરળ ખેતીનો નવો સૂર્યોદય થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય દેખાતા ઘાસમાંથી ખેડૂતો લાખોની આવક મેળવી રહ્યા છે. તો બીજી તરફ પશુધન અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો માટે પણ નેપિયર ઘાસ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. દેશમાં ઘાસચારાની 25 થી 35 ટકાની અછતને પહોંચી વળવા માટે નિષ્ણાંતોના મતે નેપિયર ઘાસ ખૂબ સારો વિકલ્પ સાબિત થયું છે.
'તેઓ પહેલા પોતાના 20 એકરનાં વિસ્તારમાં શેરડીનો પાક લેતા હતા. પરંતુ સમયાંતરે બદલાતા વાતાવરણ અને કમોસમી માવઠાના કારણે મોટી નુકસાની થતા તેઓએ સુપર નેપિયર ઘાસની ખેતીમાં હાથ અજમાવ્યો છે અને લાખોની આવક મેળવી છે. સુપર નેપિયર ઘાસ જેને ગજરાજ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૂળ થાઈલેન્ડની વેરાઈટી છે. તેની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે ઘણી ફાયદાકારક છે. કારણ કે સુપર નેપિયર ઘાસના બિયારણ ખાતર અને મજૂરી એક એકર દીઠ 25 થી 30 હજાર થાય છે.' -શાંતિલાલભાઈ પટેલ, ચીખલી તાલુકાના હરણ ગામના ખેડૂત
ફક્ત એકવાર વાવેતર: એકવાર વાવેતર કરવાનું હોય છે. ત્યારબાદ પહેલી વાર ફક્ત 90 દિવસે પ્રથમ કાપણી માટેનું ઘાસ તૈયાર થાય છે. ત્યારબાદ દર 45 થી 50 દિવસે આ ઘાસ ફરી કાપવા લાયક થઈ જાય છે. જેથી એક વારના બિયારણના ખર્ચમાં પાંચ વર્ષ સુધી તેનું ઉત્પાદન મળે છે. આ ઘાસની યોગ્ય માવજત કરવામાં આવે તો આઠથી દસ ફૂટ જેટલા ઊંચા અને ભરાવદાર છોડ તૈયાર થઈ શકે છે. ખેડૂતોને એક એકરમાં 30 ટન જેટલો માલ તૈયાર થાય છે. એક ટનનો બજાર ભાવ 1800 થી 2000 રૂપિયા મળતો હોય છે. બીજી તરફ નેપિયર ઘાસની ખેતી નુકસાન રહિત ખેતી છે. કારણ કે વાતાવરણની અસર અને અન્ય ફૂગ જન્ય રોગો કે જીવાતની અસર આ ઘાસ પર નહીંવત રહે છે.
'આખા દેશમાં લીલા ઘાસચારા ની 25 થી 35% જે અછત છે. જેને પહોંચી વળવા માટે નેપિયર ઘાસ ખૂબ સારો વિકલ્પ છે. નેપિયર ઘાસ દુધાળા પશુઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. કારણ કે નેપીયર ઘાસનું પોષણક્ષમ ખૂબ સારા પ્રમાણમાં છે. જેમાં કુલ પાચ્ય પોષક તત્વો 55 થી 60 ટકા છે. આવા વિશેષ ગુણવત્તા યુક્ત પોષણથી પશુઓની તંદુરસ્તી ,દૂધ ઉત્પાદન, દૂધની ગુણવત્તા અને પશુની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારા પ્રમાણમાં રહે છે. જેના કારણે પશુપાલન વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધે છે.' -વિપુલ પટેલ, સંશોધક વૈજ્ઞાનિક વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી, નવસારી
દુધાળા પશુઓ માટે પૌષ્ટિક આહાર: નેપિયર ઘાસ દુધાળા પશુઓ માટે ઘણું પૌષ્ટિક આહાર છે. જેથી ખેડૂતો પોતાના દુધાળા પશુઓને લીલો ઘાસચારો ખવડાવવા માટે અને ગૌશાળા ચલાવતા સંચાલકો પોતાના પશુઓ માટે મોટી સંખ્યામાં ઘાસ આ ખેડૂતો પાસેથી લઈ જાય છે. અન્ય ખેડૂતો પોતાના ખેતરમાં વાવવા માટે પણ લઈ જાય છે. જેથી ખેડૂત ને નેપીયર ઘાસ અને તેના રોપા વેચી પણ લાખોની આવક ઊભી થાય છે.
નેપિયર ઘાસની વિશેષતા: વિશ્વભરમાં ઉગાડવામાં આવતા ઘાસચારા પાકોમાં હાઇબ્રીડ નેપિયર ઘાસ ઉત્પાદનની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. આ બહુ વર્ષીય ઘાસ હોવાથી આખા વર્ષ દરમિયાન પોષણયુક્ત સ્વાદિષ્ટ લીલો ચારો પૂરો પાડે છે. તેમાં 8 થી 10% પ્રોટીન 28 થી 32% ફાઈબર રેશા હોય છે. દેશની અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આ ઘાસની અલગ અલગ જાત બહાર પાડવામાં આવી છે. જેની મુખ્ય ત્રણ જાતોનું ભારતના ઘણા બધા રાજ્યોમાં વાવેતર કરવામાં આવે છે.