નવસારી : આજે આધુનિક શાળાઓનો વ્યાપ વધ્યો છે. બદલાતા શિક્ષણના વ્યાપ સાથે નવસારીના ગણદેવી તાલુકાના ભાગડ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક આનંદભાઈ ખલાસીનો નવતર પ્રયોગ આજે બાળકોને ખુબ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. તેઓએ પોતાના નવતર પ્રયોગ થકી ભાર વિનાના ભણતરને સાર્થક કરી બતાવ્યું છે. જેમાં શિક્ષકે બાળકોના દફતરના ભારણ સાથે માનસિક ભારણ પણ ઓછું કર્યું છે. ભારતના ભાવિ ભવિષ્યને ભાર વગરના ભણતરની ભેટ આપી છે.
વિદ્યાર્થીઓની સમસ્યા : શાળામાં ભણતા બાળકોના દફતરના વજનને લઈને વાલીઓ શાળા સંચાલકો અને સરકાર પણ આ સમસ્યાને લઈને ગંભીર છે. વધુ પડતા વજનવાળા દફતરની સમસ્યા સમગ્ર દેશમાં જટિલ સમસ્યા બનીને ઉભરી આવી છે. ભાર વિનાનું ભણતર ભારત દેશના દરેક બાળકોને મળે તે હેતુસર કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને સર્ક્યુલર પાઠવી વિદ્યાર્થીઓના સ્કુલ બેગનો ભાર ઘટાડવા માટે નિર્દેશ કર્યા છે. રાજ્ય સરકાર પણ ભાર વિનાના ભણતરને લઈને ચિંતિત બની છે. શૈક્ષણિક સંશોધન કરતા NCERT દ્વારા પણ ઘણું સંશોધન કરવામાં આવ્યું છે જેમાં મહદઅંશે સફળતા પણ મળી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને શિક્ષણવિદો આ સમસ્યાનો જડમૂળથી ઉકેલ લાવવા કમર કસી રહ્યા છે. શિક્ષણનો આ મુદ્દો સરકાર, શાળા, સંચાલક અને વાલીઓ માટે યક્ષ પ્રશ્ન તરીકે ઉભરી આવ્યો છે.
ભાગડ પ્રાથમિક શાળા : આ શિક્ષક શાળાએ ફક્ત હાજરી પુરાવા માટે નથી આવતા, પરંતુ બાળકો તેમની શાળામાં રસ લઈને ભણે અને આનંદપૂર્વક ભણે તે માટે તેઓ બાળકો પાછળ ખાસ પ્રકારની કાળજી રાખે છે. તેથી જ તેમની નાનકડી શાળામાં આસપાસના 22 ગામોના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ નજીકના બીલીમોરા શહેરમાંથી પણ તેઓની શાળામાં ભણવા માટે આવે છે.
માસિક અભ્યાસક્રમ બુક : આનંદભાઈ ખલાસીના જણાવ્યા પ્રમાણે પોતાની બાળકીના સ્કુલ બેગનું વજન જોઈ તેમને વિચાર આવ્યો કે, ફક્ત મારું બાળક નહીં પરંતુ દેશના સ્કૂલના તમામ બાળકો વધુ પડતા બેગનું ભારણ ઊંચકીને શાળાએ જાય છે. જે અત્યંત કષ્ટદાયી અને નુકસાનકારક છે. જેથી બાળકોને ભાર વિનાનું ભણતર કેવી રીતે આપી શકાય તે માટે તેમણે સતત મનોમંથન કર્યું હતું. જેમાં તેમને સફળતા મળી અને એક માસિક અભ્યાસક્રમ બુક તૈયાર કરી. જે તેમની બાળકી માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ હતી. જેથી તેમણે વર્ષ 2016 માં માસિક અભ્યાસક્રમ બુક પોતાની શાળામાં ભણતા બાળકો માટે પણ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો.
આ માસિક અભ્યાસક્રમ પુસ્તકથી બાળકોની શિક્ષણ પ્રત્યેની રુચિમાં ખૂબ વધારો થયો છે. બાળક ભણવાની સાથે દરેક પ્રવૃત્તિઓમાં આગળ આવ્યું છે. તેથી આવનાર સમયમાં અમે આ પદ્ધતિથી શાળાના તમામ વર્ગમાં લાગુ કરવાના છે. -- આનંદ ખલાસી (આચાર્ય, ભાગડ પ્રાથમિક શાળા-નવસારી)
નવતર પ્રયોગ : તેમની શાળાના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો તેમની બેગમાં વિષય પુસ્તક, નોટબુકો સાથે પ્રયોગપોથી, નકશાપોથી, આલેખપોથી અને ચિત્રપોથી આ તમામ સાહિત્ય લઈને શાળાએ આવતા હતા. જેમાં તેઓના બેગનું વજન 7 થી 8 કિલો જેટલું થતું હતું. બાળકોએ એક માસમાં સરેરાશ બે કે ત્રણ એકમો એક વિષયના શીખવાના હોય છે. બાળકો આખું વર્ષ એવા છ પુસ્તકો અને તેની જોડે નોટબુકનો ભાર લઈને શાળાએ આવે છે. તેથી શિક્ષકે બધા વિષયોના પુસ્તકો ખોલી નાખ્યા ત્યારબાદ નિયત કરેલા માસિક અભ્યાસક્રમ મુજબ દરેક વિષયના માસિક પ્રકરણ પુસ્તકોમાંથી વીણી લીધા. સાથે નોટબુકને પણ ટાંકામાંથી ખોલી નાખી અને પ્રકરણની સાથે લખવા માટે નોટબુકના પેજ પણ જરૂરિયાત જેટલા મૂકી દેવામાં આવ્યા. એટલું જ નહીં જે તે વિષયમાં પ્રયોગપોથી, ચિત્રપોથી, નકશાપોથી તેમજ આલેખપોથીના પણ પેજ મૂકી દીધા. આમ ક્રમાનુસાર પ્રકરણો ગોઠવી દીધા.
ભાર વિનાનું ભણતર : આ પદ્ધતિ દ્વારા એક વિશેષ માસિક પુસ્તક તૈયાર થયું. જેમાં આખા માસના સરેરાશ 12 થી 13 એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આખા વર્ષ દરમિયાન આઠ માસિક અભ્યાસક્રમ બુક શિક્ષકે સ્વખર્ચે બાળકો માટે તૈયાર કરી છે. જેનું સરેરાશ વજન 350 ગ્રામથી 450 ગ્રામ સુધીનું થયું. જે બાળકો માટે ઘણું ફાયદાકારક સાબિત થયું. માસિક અભ્યાસક્રમ બુકના કારણે બાળકમાં અભ્યાસ પ્રત્યેની રુચિ અને એકાગ્રતા વધી છે. જેથી બાળકો અધ્યયનમાં સફળતા મેળવી સાથે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો ધારેલી સફળતા મેળવતા થયા છે.
પુસ્તકના ફાયદા : બાળકને એક માસનું ફક્ત એક જ પુસ્તક લઈને શાળામાં ભણવા માટે આપવામાં આવતા તેના બેગનું વજન પણ ઓછું થયું છે. આમ ભાર વિનાનું ભણતર બાળકને મળ્યું છે. જેનાથી બાળકનો શારીરિક વિકાસ થવાનો માર્ગ પણ ખુલ્યો છે. બીજી તરફ વધુ પડતો અભ્યાસક્રમ બાળકના માથે રહેતા બાળક હતાશામાં સરી પડે છે. પરંતુ માસિક અભ્યાસક્રમ બુકમાં બાળકને એક જ માસનો અભ્યાસક્રમ મળતા બાળક ભણવામાં રુચિ દાખવે છે. તેને સહેલાઈથી પૂર્ણ કરે છે. જેને કારણે અધ્યયનમાં પણ બાળકએ સફળતા મેળવી અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં પણ બાળકો ધારેલી સફળતા મેળવતા થયા છે. વાલીઓને પણ પુસ્તક કે નોટબુક સામટી ખરીદવી ના પડતા આર્થિક ભારણ ઓછું થતા તેમને પણ ફાયદો થાય છે.
કર્મનિષ્ઠ શિક્ષક : આ શાળાના આચાર્ય શિક્ષકને રાજ્ય સરકાર હસ્તકના કેટલાક નામાંકિત એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તકનો બેસ્ટ શિક્ષકનો નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. સરકારી શાળાના આ આચાર્ય શિક્ષકે સાર્થક કરી બતાવ્યું કે એક શિક્ષક કદી સાધારણ નથી હોતો. GCERT ગાંધીનગર દ્વારા આ પુસ્તકની પ્રેરણા લઈ કોરોના કાળ દરમિયાન ઘરે શીખીએ પુસ્તિકાની આવૃત્તિ સમગ્ર રાજ્યભરમાં અમલીકૃત કરાવી હતી.