નવસારી: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ઉઠેલા સંભવિત વાવાઝોડાની અસર નવસારીમાં સોમવારે સવારથી જ વર્તાઈ રહી છે. સવારે ભારે પવનો સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જ્યારે ઘણા વિસ્તારોમાં વરસાદી અમી છાંટણાને લઇ ધરતીમાંથી ભીની સોડમ પ્રસરી હતી. દરિયામાં વાવાઝોડાને લઇ કરંટ જણાયો ન હતો, પરંતુ તંત્ર દ્વારા દરિયા કિનારાના 39 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.
કુદરતની સામે માનવી પાંગળો જ રહ્યો છે. એક તરફ કોરોનાની મહામારી સામે માનવજાત લડી રહી છે, ત્યારે બીજી તરફ એક પછી એક દરિયાઈ આફત શરૂ થઈ છે. અમ્ફાન વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત પર સંભવિત વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. જે 3 અને 4 જૂન વચ્ચે દરિયા કિનારે ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે આજે સોમવારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં નવસારીના 52 કિલોમીટરના દરિયા કિનારાના ગણદેવી તાલુકાના 24 અને જલાલપોર તાલુકાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વાવાઝોડાની સંભાવનાને જોતા એનડીઆરએફની ટીમ પણ આજે સાંજ સુધીમાં નવસારી પહોંચવાની શક્યતા છે. જ્યારે કલેક્ટર દ્વારા 3 જૂનના રોજ જરૂર ન હોય તો લોકોને ઘરેથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાની અસર આજે સોમવારની સવારથી જ નવસારીમાં જોવા મળી રહી છે. સવારે ભારે પવનો સાથે ઘનઘોર વાદળો ઘેરાયા હતા અને ક્યાંક વરસાદી છાંટણા, તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ચારે કોર ઠંડક પ્રસરી હતી. જો કે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વાવાઝોડાની અસર જોવા મળી ન હતી. પરંતુ ભરતીના સમયે દરિયામાં કરંટ હોવાનું ગ્રામીણો જણાવી રહ્યા છે. આ સાથે જ સુરક્ષાને ધ્યાને લઇ ગ્રામજનોને દરિયા કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.