- શહેરમાં શનિવારે ત્રણ સ્થળેથી નીકળશે યજ્ઞ યાત્રા
- ગાયત્રી પરિવારની આગેવાનીમાં શહેરની 11 સંસ્થાઓ જોડાઈ વૈદિક યજ્ઞમાં
- શહેરના 1500 ઘરોમાં સુક્ષ્મ યજ્ઞમાં અપાશે આહૂતિ
નવસારી:ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક પરંપરા ઘર ઘર સુધી પહોંચાડવા ઘરોમાં સુક્ષ્મ યજ્ઞ થકી યજ્ઞ નારાયણ દેવનું પૂજન થાય અને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહૂતિ અપવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ઘર-ઘર યજ્ઞ સાથે જ શહેરમાં ત્રણ સ્થળોએથી યજ્ઞ યાત્રા આરંભી ગાયત્રી મંદિર સુધી પહોંચાડી, શહેરીજનોને વૈદિકતાનો અનુભવ કરાવવાનો નવતર પ્રયોગ યોજ્યો છે.
હોળીના તહેવાર પર વૈદિક હોળી સળગાવવનું છેડાશે અભિયાન
હિન્દુ સંસ્કૃતિની વૈદિક પરંપરામાં ઋષિઓ યજ્ઞ કરીને વાતાવરણને શુદ્ધ અને પવિત્ર રાખવા સાથે યજ્ઞ નારાયણની કૃપા પણ મેળવતા હતા. પરંતુ વર્ષો વિતતા આધુનિકતાની દોડમાં વૈદિક પરંપરા વિસરાતી ગઈ, જેને ટકાવી રાખવા અનેક સંપ્રદાયો પ્રયાસરત છે. ત્યારે નવસારી ગાયત્રી પરિવાર દ્વારા વૈદીકતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં 100 રૂપિયાની યજ્ઞ કીટ બનાવવામાં આવી છે, જેમાં એક નાની યજ્ઞ કુંડી, વાટકી આકારના છાણાં સાથે આહૂતિની સામગ્રી ઘરે ઘરે પહોંચાડી, દરેક ઘરમાં યજ્ઞ થાય અને ઘરનું વાતાવરણ પવિત્ર બને એવા શુભ આશયથી ઘર-ઘર યજ્ઞ અભિયાન છેડાયું છે. જેમાં નવસારીના 1500 પરિવારો એક સાથે એક જ સમયે પોતાના ઘરે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યજ્ઞમાં આહૂતિ આપશે. જેથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને રોગમુક્ત બનાવી શકાય. સાથે જ શહેરના વિવિધ સ્થળોએ લોકો વેદિક હોળી પ્રજ્વલિત કરે એ માટેના પણ અભિયાનના રૂપમાં પ્રયાસો કરાશે.
આ પણ વાંચો: જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા વાતાવરણના શુદ્ધિકરણ માટે યજ્ઞકીટનું વિતરણ કરાયું
શહેરના વાતાવરણને પણ શુદ્ધ કરવા ત્રણ સ્થળોએથી નિકળશે યજ્ઞયાત્રા
ગાયત્રી પરિવાર સાથે શહેરની અન્ય 10 સેવાભાવી સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ છે, જેમના દ્વારા ઘર ઘર યજ્ઞ સાથે જ નવસારી શહેરમાં પણ વૈદીકતાનો સંદેશ વહેતો કરવા શહેરના ત્રણ સ્થળોએથી યજ્ઞ યાત્રા કરવામાં આવશે. ઉપરાંત યાત્રા શહેરના રાજમાર્ગો પરથી ફરીને બંદર રોડ સ્થિત ગાયત્રી મંદિરે પહોંચશે અને ત્યાં પૂર્ણાહૂતિ થશે. યજ્ઞયાત્રા દ્વારા શહેરનું વાતાવરણ શુદ્ધ અને રોગમુક્ત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.