- પેજ કમિટીના ભ્રમાસ્ત્ર બાદ સંવાદ કાર્યક્રમોની શરૂઆત
- સરપંચ સંવાદ થકી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
- હેલ્પલાઇન નંબર અને મોબાઈલ એપથી યોજનાઓની માહિતી ઉપલબ્ધ
નવસારી : ગુજરાતમાં પેજ કમિટીઓના ભ્રમાસ્ત્રની સાથે ગામડાઓના સરપંચો થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની 350 થી વધુ યોજનાઓ લોકો સુધી પહોંચાડી ભાજપ સાથે જોડવાનો રોડમેપ બનાવ્યો છે. જેના ભાગરૂપે રવિવારે નવસારીના સુરખાઈ ખાતે ત્રણ જિલ્લાના સરપંચો સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે સંવાદ યોજ્યો હતો. જેમાં સરકારી યોજનાઓની માહિતી આપવા મોબાઈલ એપ અને હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો.
સંવાદ કાર્યક્રમની નીતિ ગત લોકસભા ચૂંટણીમાં કારગર સાબિત થઈ હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી વિધાનસભાની 182 બેઠકો જીતવાની મહત્વની કડી ગણી ભાજપે પાયાને જ મજબુત કરવાના પ્રયાસો આરંભ્યા છે. જેમાં લોકસભા પૂર્વે વિવિધ સમાજો સાથે સંવાદની કારગર નિવડેલી રણનીતિને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ નવસારીના સાંસદ સી. આર. પાટીલે અપનાવી છે. સાંસદ પાટીલે પેજ કમિટીના ભ્રમાસ્ત્ર બાદ ગામડાઓના સરપંચોને સાધીને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની યોજના ઘડી કાઢી છે. જેમાં રવિવારે નવસારીના ચીખલીના સુરખાઇ ગામે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી, વલસાડ અને ડાંગના સરપંચોને સાંસદ પાટીલે તેમની ઓફિસનો હેલ્પલાઇન નંબર આપવા સાથે જ મોબાઇલ એપ્લીકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. જેની સાથે જ કેન્દ્ર અને ગુજરાત સરકારની 350 થી વધુ યોજનાઓ વિશેની માહિતી આપી, ગામના તમામ લોકોને લાભ અપાવવા માટે પાટીલે અપીલ કરી હતી.
નવસારીમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં સરકારી યોજનાની માહિતી મોબાઈલમાં આંગળીના ટેરવે મળવાની વાતને સરપંચોએ આવકારી હતી. આ સાથે જ યોજનાઓની માહિતી ગામના લોકોને મળવાથી તેમને ઘણો લાભ મળશે, એવી આશા પણ વ્યક્ત કરી હતી.
સ્થાનિય સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપે શરૂ કરેલ સરપંચ સંવાદ થકી ગ્રામિણોનું સમર્થન મેળવવાનો રોડમેપ તૈયાર કરાયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદની ઉપસ્થિતિમાં સરપંચોને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે. ભાજપે મહેસાણાના સાંતલપુરથી સરપંચો સાથે સંવાદનો પ્રારંભ કરી, જૂનાગઢ અને અમરેલી જિલ્લા બાદ નવસારીમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના સરપંચો સાથે પ્રદેશ પ્રમુખે સંવાદ કરી, સરકારી યોજનાઓ થકી લોકો સુધી પહોંચવાની વાત કરી હતી. ચાર કાર્યક્રમો મળીને ભાજપે અત્યાર સુધીમાં 1500 સરપંચો સાથે સંવાદ કર્યો છે.
ગામડાના સરપંચોનો વિશ્વાસ મેળવી બહુમત મેળવવાની કવાયત
કહેવાય છે કે, ભારત ગામડામાં વસે છે અને ગામડામાંથી જ સરપંચોનો વિશ્વાસ મેળવી ભાજપે બહુમત મેળવવાની કવાયત શરૂ કરી છે, ત્યારે સરપંચથી સાંસદ સુધી તમામ બેઠક કબ્જે કરવા સરપંચ સંવાદ કેટલો કારગર સાબિત થશે એ આગામી ચૂંટણીમાં સ્પષ્ટ થશે.