નવસારી : ગણદેવી અને બીલીમોરા બંને નગરપાલિકાઓએ લોકડાઉન 4માં ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખુલ્લી રાખવા મંગળવારે સાંજે જાહેરનામા પ્રસિધ્ધ કર્યા હતા. જેમાં ગણદેવી પાલિકા વિસ્તારમાં 880 દુકાનો અને બીલીમોરા શહેરમાં 17800 દુકાનો છે. જેમને એક-મેક વચ્ચેના અંતર આધારે વર્ગીકૃત કરવાને બદલે, બંને પાલિકાઓએ માત્ર વેરાબીલના છેલ્લા ઓડ ઇવન નંબરોને આધારે ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. જેને કારણે બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો મૂળભૂત હેતુ ભંગ થવાની સંભાવના જોવાઇ રહી છે. સાથે જ વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થવાને કારણે રોષ જોવા મળ્યો હતો.

કોરોના સામેની જંગમાં મહત્વનું શસ્ત્ર લોકડાઉન પુરવાર થયુ છે. જેમાં ભારત સરકારે એક પછી એક ચાર લોકડાઉન જાહેર કરી, તબક્કાવાર છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે. જેમાં લોકડાઉન-4માં કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ ગણદેવી તેમજ બીલીમોરા નગરપાલિકાએ આજે મંગળવારે સાંજે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા હતા. જેમાં ગણદેવી પાલિકા વિસ્તારની 880 દુકાનો અને બીલીમોરા પાલિકા વિસ્તારની 17800 દુકાનોના વેરા બીલના છેલ્લા અંક આધારે ખોલવા અને બંધ રાખવાનું અમલીકરણ કરાશે. એટલે જે દુકાનનાં વેરા બીલનો છેલ્લો અંક 1,3,5,7,9 એ 1,3,5,7,9 તારીખે ખુલશે. અને જેનો છેલ્લો અંક 0,2,4,6,8 હશે એ 0,2,4,6,8 તારીખે ખોલી શકાશે.

જો કે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન વેરા સાથે આવેલી બે દુકાનોના એકી કે બેકી નંબર હોઈ શકે છે, જેને કારણે બંને દુકાનો એક જ દિવસે ખુલી શકે છે. પરિણામે બજારમાં આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાવાની સંભાવનાને લઇ કોરોના વાયરસનું સંક્રમણ થવાની સંભાવના પણ દર્શાવાઈ રહી છે. જેને ટાળવા શહેરની તમામ દુકાનોને એક-મેક વચ્ચેનાં અંતર આધારે વર્ગીકૃત કરી, એક અને બે નંબરના સ્ટીકરો લગાવી ઓડ-ઇવન ફોર્મ્યુલાનો અસરકારક અમલ કરાવવામાં આવે, તો ચોક્કસ રીતે મૂળભૂત સોશિયલ ડિસ્ટનશીંગનો હેતુ સિદ્ધ થશે, એવી વેપારી આલમમાં ચર્ચા રહી હતી.