નવસારી: ચીખલીના કણભઈ ગામે રાત્રીના સમયે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ચીખલી પોલીસે ગામમાં છાપો મારી જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી બે જુગારીયા ભાગી ગયાં હતાં.
મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસને બાતમી મળી હતી કે, ચીખલી તાલુકાના કણભઈ ગામે વડ ફળિયા ખાતે નટુ રડીયાભાઈ પટેલના ઘરના આગળના ભાગે કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યાં છે. જેના આધારે પોલીસે રાત્રીના સમયે છાપો મારતા ઘટના સ્થળેથી જુગાર રમતા કાનભઈ ગામના પીર ફળિયામાં રહેતા હિતેશ પટેલ અને વડ ફળિયામાં રહેતા વિક્રમ પટેલ,વિપુલ પટેલ,જિગ્નેશ પટેલ,રાજેશ પટેલ, અજય પટેલ, સંજીત પટેલ પકડાઈ ગયા હતા.
જ્યારે પોલીસને જોઈ વડ ફળિયાનો રાજેશ પટેલ અને ચીખલીના ફડવેલ ગામનો હેમંત પટેલ ઘટના સ્થળેથી ભાગી ગયાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2890 રૂપિયા અને દાવમાં મુકેલા 1750 રૂપિયા મળી કુલ રોકડા 4640 રૂપિયા રોકડા કબ્જે લીધા હતા. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસે જુગાર ધારા હેઠળ ચીખલી પોલીસ મથકના ચોપડે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ફરાર થયેલા આરોપીઓમાંથી હેમંત વિક્રમ પટેલ પછીથી ચીખલી પોલીસ મથકમાં હાજર થયો હતો. પોલીસે ફરાર આરોપી રાજેશને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, લોકડાઉનમાં પણ જુગાર રમનારાઓ ઉપર પોલીસની કાર્યવાહીથી અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.