- આરોગ્ય કર્મીઓનો પગાર 3 મહિનાથી નહીં થતા કર્મીઓનો આક્રોશ
- કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી
- જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી 3 દિવસમાં પગાર કરવાની માંગ કરી
નવસારી: જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય જગ્યાએ ફરજ બજાવતા કરાર આધારિત ફિમેલ હેલ્થ વર્કર, એફ. એચ. ડબ્લ્યુ. સેવક અને ડ્રાઈવરોને વિશ્વા એન્ટરપ્રાઈઝ એજન્સી દ્વારા ત્રણ અથવા ચાર મહિને પગાર ચુકવાતો હોવાથી કોરોના કાળના ફ્રન્ટ લાઇન વોરિયર્સમાં રોષ જોવા મળ્યો છે. આગાઉ ચાર મહિને પગાર થયો હતો, બાદમાં ત્રણ મહિના વીતવા છતાં પણ પગાર ન મળતા આરોગ્ય કર્મીઓ ગુરૂવારે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની સાથે રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યા પગારની માંગણી સાથેના સૂત્રોચ્ચાર સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એ. શેખને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં આરોગ્ય કર્મીઓએ આક્ષેપો લગાવ્યા હતા કે, વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા તેમનું શોષણ કરવાં આવે છે. ખરો પગાર આપવાને બદલે અડધો કે, તેનાથી ઓછો પગાર ચુકવવામાં આવે છે. જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. આ સાથે જ વર્ષ 2015 થી બાકી એરિયર્સ ચૂકવાયું નથી. તેમજ સેવકો અને ડ્રાઈવરોને બોનસ પણ આપવામાં આવતું નથી. જેથી નિયમિત રીતે દર મહિને સમયે પગાર મળે તેની માંગણી સાથે અન્ય માંગોના નિરાકરણની માંગણી કરી હતી.
જ્યારે આરોગ્ય કર્મીઓની પગાર માંગણી મુદ્દે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શેખે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારે કોરોના કાળમાં શહેરો અને ગામડાઓમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તરીકે લોકોને કોરોનાથી બચાવવાનો પ્રયાસ કરતા કરાર આધારિત આરોગ્ય કર્મીઓને નિયમિત પગાર મળે છે કે પછી એમનું શોષણ થતું રહે છે એ જોવું રહ્યું.