નવસારી: સુરત જિલ્લામાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે સુરતના ગ્રામ્ય વિસ્તારોના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવસારીના ગામડાઓની ચિંતામાં વધારો થયો છે. જેથી વાંસદા તાલુકાના ગામોના આંતરિક રસ્તાઓને ઝાડી-ઝાંખરા મૂકીને બંધ કરાઈ રહ્યા છે. આ સાથે જ ગામમાંથી આવશ્યક સેવાઓ માટે સુરત જતા લોકોને સુરત ન જવા અથવા ત્યાં જ રોકાવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે મોટી વાલઝર ગ્રામ પંચાયતે રાતોરાત બે ઠરાવો કર્યા છે, જેમાં નાની વાલઝરના યુવાનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગામની તમામ દુકાનો બંધ રાખવા અને આદેશનું પાલન ન કરે તો 5 હજાર રૂપિયાના દંડની ચેતવણી પણ આપી છે. મોટી વાલઝર ગામના 33 લોકો અને ઉપસળ ગામના 40 લોકો જે સુરત આવન-જાવન કરે છે, તેઓ સુરત ન જાય અથવા સુરત જ રહે એવી અપીલ પણ કરી છે. આ સાથે જ ગામમાં કોવીડ-19 જંગ માટે ગામમિત્ર બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે મોટી વાલઝર સહિત સરહદના ગામોના આંતરિક રસ્તાઓ પર ઝાડી-ઝાંખરાની આડાશ મુકી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોની અવર-જવર ઓછો કરી શકાય.
સુરતમાં આવન-જાવન કરતા લોકોને કોરોના પોઝિટિવ આવવાની શરૂઆત થતા કોરોનાની ચુંગાલમાંથી બચેલા નવસારી જિલ્લામાં લોકોની ચિંતા વધી છે. નવસારીના વાંસદા તાલુકાના ગામો બાદ ગણદેવી તાલુકાના આંતલિયા ગામની નર્સ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હોવાથી નવસારી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરાઈ છે. જ્યારે નવસારીના એક પેટ્રોલ પંપ પર કામ કરતા 7 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ દર્દીના પરિવારના સદસ્યના સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવતા સાતેયને હોમ ક્વોરનટાઈન કરાયા છે. ત્યારે તંત્ર સુરત જતા હજારો લોકોના આવન-જાવન પર રોક લગાવે એવી માંગ ઉગ્ર બની છે.