નવસારી: ભારત સરકારે કોરોના મહામારીને કારણે જાહેર કરેલા લોકડાઉનનો સમય વધાર્યો છે. જેમાં નવસારી સહિત જિલ્લાના અન્ય શહેરોના મુખ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતી 5 હજારથી વધુ રીક્ષાઓના પૈડા પણ થંભી ગયા છે. જેને કારણે ઘણા રીક્ષા ચાલકો આર્થિક ભીંસમાં મુકાયા છે અને સ્વાભિમાની રીક્ષા ચાલકો કોઈની સામે હાથ લંબાવી ન શકવાને કારણે તેમના પરિવારોની સ્થિતિ દયનીય બની છે.
કોરોના સામેની જંગમાં મોદી સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં જીવન જ સ્થગિત થઈ ગયું છે. 26 દિવસોથી ધંધા રોજગાર બંધ થવાને કારણે લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. જેમાં પણ રોજનું કમાઈ પરિવારનું ભરણ પોષણ કરતા શ્રમિકોની સ્થિતિ કડોડી બની રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લાના શહેરોમાં મુખ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ રીક્ષાઓના પૈડાઓ પણ થંભી ગયા છે.
નવસારી અને વિજલપોર શહેરમાં 3500થી વધુ, ગણદેવી અને બિલીમોરામાં 1500થી વધુ અને ચીખલી, ખેરગામ, વાંસડામાં પણ મોટી સંખ્યામાં રીક્ષાઓ છે, દિવસ રાત ચાલતી રીક્ષાઓના ચાલકો અંદાજે 500 રૂપિયા કે તેથી વધુની કમાણી કરી દૈનિક ખર્ચો કાઢ્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં પણ ભાડેથી રીક્ષા ફેરવતા રીક્ષા ચાલકોના હાથમાં 20 ટકા ઓછી રકમ હાથમાં આવે છે, પરંતુ કોરોનાની મહામારીમાં રીક્ષાઓની ગતિ અટકતા મોટા ભાગના રીક્ષા ચાલકો આર્થિક ભીંસમાં મુકાયા છે.
સરકાર દ્વારા મફત અનાજ તો અપાયું, પણ મસાલા, તેલની સમસ્યા રીક્ષા ચાલકોને સતાવે છે, રાજનેતાઓ કે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા રીક્ષા ચાલકોની તરફ ધ્યાન ન અપાયું હોવાના એસોસિએશનના આક્ષેપો છે. નવસારી રીક્ષા એસોસિએશનના પ્રમુખ ગણેશ કાનકાટેએ જણાવ્યું કે, કોરોનાને કારણે જાહેર લોકડાઉનમાં રીક્ષા ચાલકોની હાલત ખરાબ છે. સ્વાભિમાની રીક્ષા ચાલકો 10 રૂપિયાની ભીખ પણ નથી માંગી શકત, જેને કારણે પરિવારના પોષણની ચિંતા વધી છે. બાળકોની માંગ સામે પણ ઘણીવાર પિતા લાચારી અનુભવે છે, ત્યારે આવી સ્થિતિમાં સરકાર રીક્ષા ચાલકો માટે કોઈ સહાય પેકેજ જાહેર કરે એવી માંગણી રીક્ષા એસોસિએશન કરી રહ્યું છે.