- મસાલા સાથેના મિશ્રણ તૈયાર થયા બાદ 15થી 20 મિનિટમાં તૈયાર થાય છે પનીર બાર્બેકયુ
- નવસારીના ભાવિશા ટેલર સાથે બનાવતા શીખો પનીર બાર્બેકયુ
- ઉત્તરાયણ પર બાળકો, યુવાનો સાથે વૃદ્ધોને ખાવાની મજા આવે એવુ પનીર બાર્બેકયુ
નવસારી : દક્ષિણાયન સુર્યનું ઉત્તર તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ. ઠંડીની મૌસમમાં આવતા ઉત્તરાયણ પર્વ પર પરંપરાગત રીતે લોકો શરીરને અંદરથી ગરમ રાખવા માટે તલ, ગોળની ચીકી, સીંગની ચીકી, ઉંધિયું, ઉબાડિયું વગેરે વાનગી બનાવતા હોય છે, પરંતુ પરંપરાથી હટીને નાના બાળકોની સાથે યુવાનો તેમજ વૃદ્ધોને પણ પસંદ પડે એવી અલગ વાનગી પનીર બાર્બેક્યુ બનાવવાની રીત લઈને આવ્યું છે ETVBHARAT...
સામગ્રી અને માસલાનું મિશ્રણ તૈયાર થયા બાદ 15થી 20 મિનિટમાં જ તૈયાર થતી આ પનીર બાર્બેક્યુની મજા ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવતા કે ધીંગામસ્તી કરતા માણો...
સામગ્રી :
- 250 ગ્રામ પનીર
- 200 ગ્રામ દહીં (પાણી છુટુ કરેલુ)
- 1 ડુંગળી મધ્યમ સાઈઝ
- 1 ટામેટું મધ્યમ સાઈઝ
- 1 કેપ્સિકમ મરચું મધ્યમ સાઈઝ
મસાલા :
- બે ચમચી લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાની ભુકી (પાવડર)
- 3થી 4 ચમચી તેલ
- થોડી કસુરી મેથી
- અડધી ચમચી આમચુર પાવડર
- કિચન કિંગ મસાલો
- જરૂરિયાત મુજબની હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો
ચટણીની સામગ્રી :
- કોથમીર
- ફુદીનો
- દાળીયાનો પાવડર
સલાડ માટેની સામગ્રી :
- કોબીજ
- ટામેટા
- ગાજર
- કાકડી
- ડુંગળી
- જરૂર પ્રમાણે લીંબુનો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો
પનીર બાર્બેકયુ બનાવવાની રીત :
એક ડુંગળી અને એક કેપ્સિકમને ચોરસ આકારમાં કાપી લો, ત્યારબાદ ફ્રાય પેનમાં એક ચમચી તેલ મૂક્યા બાદ ડુંગળી અને કેપ્સિકમના ટુકડાઓ તેમાં નાંખી અધશેકા સાંતરી લો. સાંતરી લીધા બાદ તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડા પાડવા દો.
પ્રથમ 200 ગ્રામ પાણી છુટા પાડેલા દહીંમાં એક ચમચી લાલ મરચાની ભુકી, જરૂર મુજબ હળદર, અડધી ચમચી આમચુર પાવડર અને કિચન કિંગ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને થોડી કસુરી મેથી જેની સાથે એક-એક ચમચી લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ વ્યવસ્થિત રીતે મિક્સ કરો. (તમારા સ્વાદ અનુસાર મરચાની પેસ્ટ એડ કરી શકો છો)
મસાલો તૈયાર થયા બાદ 250 ગ્રામ પનીરના ચોરસ ટુકડાઓમાં દહીં સાથેના મસાલાનું મિશ્રણ તેમાં ભેળવી લો અને વ્યવસ્થિત રીતે એને મિક્સ કરો. મસાલો ભેળવી લીધા બાદ તેમાં સાંતરેલા કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા સાથે ટામેટાના કાપેલા ચોરસ ટુકડા તેમાં મિક્સ કરી, બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. જેથી પનીર સોફ્ટ થશે અને ખાવામાં મજા આવશે. (મસાલા ભેળવેલા પનીરને વધારે સમય પણ ફ્રીઝમાં મૂકી શકાય, પણ ઓછામાં ઓછા બે કલાક ફ્રીઝમાં મૂકવું જરૂરી છે.
બે કલાક બાદ ફ્રીઝમાંથી મસાલા ભેળવેલા પનીરને કાઢીને ફ્રાયપેનમાં (કડાઈ કે નોનસ્ટીક પણ ઉપયોગમાં લઈ શકાય) એક ચમચી તેલ મુક્યા બાદ પનીરના સંપૂર્ણ મિશ્રણને ઉંચા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકાવા દો. જેની શેકાવાની ઇફેક્ટ આવે એટલે ખાવા માટે તૈયાર છે. જેને ડીશમાં સલાડ અને ફુદીના-ધણાની ચટણી સાથે પીરસો અને ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવતા-ચગાવતા ગરમ-ગરમ પનીર બાર્બેક્યુની મજા માણો...
ભાવિશા ટેલર(ગૃહિણી), નવસારી