નવસારી: વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતોને જંગલ જમીન આપવા કરેલા સર્વે અને ફોર્મ ભરાવ્યા બાદ પણ તેમને સનદ ન મળતા આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી કાઢી હતી. જેમાં પ્રાયોજના વહીવટદાર અને વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
"આજે અમે વાંસદા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસીઓના હક્ક માટે રેલી કાઢી પ્રાયોજના વહીવટદાર અને વાંસદા મામલતદારને આવેદનપત્ર આપી આદિવાસી સમાજની જંગલ જમીનની સનત આપવાની માંગ કરી હતી. જો આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે" - અનંત પટેલ (ધારાસભ્ય)
આદીવાસીઓની વારંવાર રજૂઆત: આદિવાસી વિસ્તારમાં આવેલા જંગલ જમીનને સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને સર્વે કર્યા બાદ તેમની માંગણી અને દાવા અનુસાર સનત અપાવવામાં આવે છે. જેમાં વાંસદા તાલુકામાં ગત વર્ષોમાં વન અધિકાર 2006 કાયદા હેઠળ અંદાજે 1600 આદિવાસી ખેડૂતોમાંથી ઘણાની જમીન સર્વે થઈ ગઈ છે. જ્યારે ઘણાંએ દાવાઓ કર્યા છે. પરંતુ વાંસદાના પ્રાયોજના વહીવટદાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણીમાં જંગલ જમીનના હક્કો આપવા તૈયારી દર્શાવી હોવાના આક્ષેપો આદિવાસી આગેવાનોએ લગાવ્યા અને આદિવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી.
ઉગ્ર આંદોલનની ચેતવણી: આજ દિન સુધી જંગલ જમીનની સનત ન મળતા આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ જંગલ જમીનમાં આકાશી ખેતી કરતા આદિવાસી ખેડૂતો સાથે ઘણીવાર વન વિભાગના અધિકારી કર્મચારીઓનો સંઘર્ષ પણ થાય છે. જેથી આજે આદિવાસી ખેડૂતો, કોંગ્રેસના આગેવાનોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદાના હનુમાન મંદિરની રેલી કાઢી જંગલ જમીનમાં હકક માટે નારા લગાવ્યા હતા. બાદમાં પ્રાયોજના વહીવટદાર અને વાંસદા મામલતદારને આવેદનપત્ર આપી લાંબા સમયથી પડતર રહેલી જંગલ જમીનની સનત આપવાની માંગ કરી હતી. જો આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળશે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી પણ આપી હતી.