- નવસારીમાં વરસ્યો વરસાદ
- ગણદેવી, બીલીમોરા અને ચીખલી પંથકમાં વરસાદ
- હવામાન વિભાગે કરી હતી વરસાદની આગાહી
નવસારીઃ જિલ્લામાં શનિવારે સાંજે હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ વરસ્યો હતો, જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી પંથકમાં ક્યાંક ધીમીધારે, તો ક્યાંક વરસાદી ઝાપટા વરસ્યા હતા.
વાતાવરણમાં પલટા બાદ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં વરસ્યો વરસાદ
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેને લઈને નવસારીમાં 2 દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળોને કારણે બફારા અને ઉકળાટથી લોકોએ સવારે ઠંડી, ઝાંકળ સાથે બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. દરમિયાન શનિવારે મોડી સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ નવસારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે ઘરે જતા લોકો પણ પલળ્યા હતા.
વરસાદી માહોલને કારણે પાવર થયો ડૂલ
બીજી તરફ વરસાદી માહોલને કારણે ઘણી જગ્યાએ પાવર ડૂલ થતાં કલાકો સુધી લોકોએ અંધારામાં રહેવું પડયું હતું. જો કે, વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ પવન નહિવત રહેતા ઉકળાટ અનુભવાયો હતો.