નવસારી: ગ્લોબલ વોર્મિંગની વધતી અસરને કારણે ઋતુ ચક્ર પણ બદલાવા માંડ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે ખેતીને નુકશાની વેઠવાનો વારો આવે છે, ત્યારે ગત વર્ષે બનેલી અતિવૃષ્ટિની સ્થિતિ બાદ આ વર્ષે ચોમાસું સમયસર શરૂ થયુ છે. જેથી વાતાવરણના ચાબખા ખાતો જગતનો તાત હરખાયો છે. નવસારીના ખેડૂતોએ મેઘાની પધરામણીના વધામણા કરી ડાંગર માટે ધરૂ તેમજ કેટલીક જગ્યાએ ડાંગરની રોપણી પણ શરૂ કરી છે.
નવસારી જિલ્લામાં 53 હજારથી વધુ હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી થાય છે. ગત વર્ષોમાં વરસાદ ઓછો અને ડેમ ખાલી રહેતા ડાંગરની ખેતી પ્રભાવિત થઇ હતી, પરંતુ ગત વર્ષે મેઘમહેરથી ખેડૂતોએ સારી ડાંગર લણવાની આશા સેવી હતી, પણ વરસાદ નવેમ્બર સુધી રહેતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે આ વર્ષે મેઘરાજા સમયસર પોતાની સવારી લઈને પધાર્યા છે. જેથી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. સાથે જ ખેડૂતોએ ડાંગર માટે ધરૂવાડિયુ તૈયાર કરવાનો પ્રારંભ કર્યો છે. જયારે કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે.
નવસારી જિલ્લામાં સમયસર શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, સાથે જ આ વર્ષે સારો વરસાદ અને ડેમમાં પણ સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી રહે, તો સારો અને ઉત્તમ પાક લણવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે.