- વાંસદા સ્ટેટના મહારાજા પ્રતાપસિંહજીએ 1920માં કરી હતી શાળાની સ્થાપના
- શાળાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ દર્શાવતી શતાબ્દી સૌરભ પુસ્તિકાનું શિક્ષણ પ્રધાને કર્યું વિમોચન
- શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દાનની સરવાણી વહાવી
નવસારી: અખંડ ભારતમાં જોડાતા પૂર્વેના વાંસદા સ્ટેટનાં મહારાજા પ્રતાપસિંહજીએ વર્ષ 1920માં શરૂ કરેલી શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાયા બાદ આજે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શતાબ્દી સૌરભ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
શિક્ષણ થકી રાજ્યના વિકાસની દીર્ઘદ્રષ્ટિને કારણે શાળાએ પૂર્ણ કર્યા 100 વર્ષ
પોતાના રાજ્યમાં શિક્ષણને પ્રાધાન્ય આપનાર પ્રજાવત્સલ રાજવી સ્વર્ગીય મહારાજા પ્રતાપસિંહજી સોલંકીએ વર્ષ 1920 માં વાંસદા સ્ટેટમાં વર્ણાક્યુલર શાળા સ્થાપી હતી. અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્વાનોને રાજ્યાશ્રય આપી વાંસદાના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શિક્ષણ થકી રાજ્યના વિકાસની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે પ્રતાપ હાઇસ્કુલે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. શાળાના હજારો વિદ્યાર્થીઓએ દેશ-વિદેશમાં કાઠું કાઢી શાળાને ગૌરવાન્વિત કરી છે, ત્યારે ગત વર્ષ 2020 માં 100 વર્ષ પૂર્ણ થતા શાળા સંચાલક મંડળે શતાબ્દી વર્ષની ઉજવણી આરંભી હતી. જેની પૂર્ણાહૂતિમાં શાળાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ દર્શાવતી શતાબ્દી સૌરભ પુસ્તિકાનું વિમોચન કોરોના કાળને કારણે અટવાયું હતુ. પરંતુ હાલ કોરોનાના કેસો ઓછા થતા આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શતાબ્દી સૌરભ પુસ્તકનું વિમોચન કરાયુ હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રતાપ હાઇસ્કુલને 100 વર્ષ પૂર્ણ થતાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સોશ્યલ મીડિયાનાં માધ્યમથી રી-યુનિયન થયું હતું. શાળાનાં 100 વર્ષોના ગૌરવાન્વિત કાળને યાદ કરીને વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાના દાનની સરવાણી પણ વહાવી હતી.