નવસારી: ગુજરાત સરકારની વ્યાજખોરો સામેનું અભિયાન રંગ લાવી રહ્યું છે. નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર પાસેથી પોલીસે 20 બાઈક અને એક કાર મળી ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા છે.
ખેરગામ પોલીસે ધરપકડ: ગુજરાત સરકારની વ્યાજખોરો સામેનું અભિયાન રંગ લાવી રહ્યું છે. નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર પાસેથી પોલીસે 20 બાઈક અને એક કાર મળી ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા છે.
વ્યાજે નાણાં લેવા મજબૂર: રૂપિયાની જરૂરિયાત માણસને વ્યાજે નાણાં લેવા મજબૂર કરે છે. પરંતુ વ્યાજના વિષચક્રમાં ફસાયેલો માણસ મુશ્કેલીથી તેમાંથી બહાર નિકળી શકે છે. ઘણીવાર વ્યાજખોરોના આતંકને કારણે વાત આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વ્યાજખોરો સામેની મુહિમ હવે રંગ લાવી રહી છે. ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
વ્યાજખોરો સામે ફરિયાદ: નવસારી જિલ્લામાં પણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જ નવસારીના મોલધરા ગામે વ્યાજ સાથે તગડી પેનલ્ટી અને મુદ્દલને ડબલ કરી તેના ઉપર વ્યાજ અને હપ્તો ચૂકી જવાય તો આગળના હપ્તા ભૂલી જવાના અને મુદ્દલ ફરી ડબલ કરી વ્યાજ વસૂલવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 2000 રૂપિયાની મુદ્દલ 1.31 લાખે પહોંચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી
વ્યાજના ચક્રમાં: વ્યાજખોરો ગેરકાયદેસર રીતે વ્યાજનો વેપલો ચલાવી લોકોને વ્યાજના ચક્રમાં ફસાવી દેતા હોય છે. ત્યારે ઘણીવાર પરિસ્થિતિ બેકાબુ બનતા વ્યાજે પૈસા લેનાર પોતે આત્મહત્યાનું પગલું પણ ભરતો હોય છે. તો બીજી તરફ આવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે. જેમાં ખાનગી રાહે બાતમી મળતા ખેરગામ પોલીસે તાલુકાના નારણપોર ગામમાં વાહન ગીરવે લઈ ઉંચા વ્યાજે નાણાં ધીરનાર સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે.
વાહન ગીરવે: વ્યાજખોર ભીખુ પટેલ જરૂરિયાત મંદ લોકો પાસેથી તેમનું વાહન ગીરવે લેતો હતો. તેની કિંમત આંક્યા બાદ અડધા અથવા જરૂરિયાત મુજબના રૂપિયા આપી મહિને 5 ટકા ઉંચા વ્યાજે નાણાં ધીરતો હતો. જ્યારે વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થાય તો વધુ બે ટકા સાથે 7% વ્યાજ વસૂલતો હતો. આ રીતે ભીખુ પટેલે 20 બાઈક અને એક eeco કાર ઊંચા વ્યાજે ગીરવે લીધી હતી. ભીખુના વ્યાજખોરીના ગુનાની જાણ થતા ખેરગામ પોલીસે નારણપોર ગામે ભીખુ પટેલના ઘરે છાપો મારતા ટુ વ્હીલર મળી આવ્યા હતા. સાથે જ તપાસમાં ભીખુ પટેલ પાસે એક રજીસ્ટર મળ્યું હતુ.
કેટલા રૂપિયા ધીર્યા: કયા વાહન ઉપર કેટલા રૂપિયા ધીર્યા છે એની માહિતી પણ હતી. જેના આધારે પોલીસે 10.60 લાખ રૂપિયાના 20 બાઈક અને એક કાર મળી 21 વાહનો કબજે કર્યા હતા. સાથે જ આરોપી સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 21 વાહનો સાથે કુલ 10.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લામાં દયનીય પરિસ્થિતિઓનો લાભ લઈને વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલ કરી જરૂરિયાત વાળા વ્યક્તિની ઊંઘ હરામ કરી દેતા હોય તેવા સમયે રાજ્ય સરકારે રાજ્યભરમાં વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને આરોપીઓને ઠેકાણે પાડવાનું બીડું જડપ્યું છે. જેમાં પોલીસ આવા તત્વો સામે આદુ ખાઈને પડી ગઈ છે.