નવસારી: કોરોનાની મહામારીમાં જાહેર લોકડાઉનમાં નવસારીજનો ઘર બહાર ન નીકળે તે માટે જિલ્લાના શહેર અને ગામડાઓના મુખ્ય પોઈન્ટો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં દિવસ રાત 1500 થી વધુ જવાનો ફરજ બજાવી રહ્યા છે.
આ જવાનોને પોઈન્ટ પર જ ભોજન મળી રહે એની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગત 9 એપ્રિલની રાત્રે વિજલપોર પોલીસના મહિલા એએસઆઈ મીનાબેન ટંડેલ સ્ટાફ સાથે ખાનગી વેનમાં વિજલપોર પોલીસ મથકની હદ વિસ્તારનાં ગામડાઓના પોઈન્ટ પર ફૂડ પેકેટ્સ આપવા ગયા હતા. જ્યાં નવાગામથી પરત ફરતી વખતે તેમની વેન ઉપર અચાનક પત્થર મારો થતા મીનાબેનનાં માથામાં વાગ્યો હતો. તેમને 6 ટાંકા લેવા પડ્યા હતા. ઘટના બાદ હરકતમાં આવેલી વિજલપોર પોલીસે આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં સ્થાનિકોની પૂછપરછ બાદ પત્થર ફેંકનાર સુમંત ઠાકોરભાઈ હળપતિએ પત્થર ફેંક્યો હોવાનું બહાર આવતા જ પોલીસે આરોપી સુમંત હળપતિની ધરપકડ કરી હતી.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-03-humalavar-photo-gj10031_12042020185125_1204f_1586697685_116.jpg)
આરોપી સુમંત ખલાસી તરીકે દરિયામાં માછીમારી કરવા જાય છે. જે 23 માર્ચે ઓખાથી નવસારી આવ્યો હતો. જેથી કોરોના મહામારીને કારણે સુમંતને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જેમાં દરરોજ આરોગ્ય કર્મીઓ તેને તપાસવા આવતા હતા અને તેની સાથે પોલીસકર્મી પણ હોવાથી સુમંતને ગમતું ન હતું. જેથી 9 એપ્રિલની રાતે પોલીસની કાર પસાર થઇ રહી હોવાનું જણાતાં ઘર બહાર નીકળી બ્લોકનો ટૂકડો ફેંક્યો હતો. જેનાથી મહિલા પોલીસ કર્મી ઘવાયા હોવાનું સામે આવ્યું હતું.