- વાહનની અડફેટે આવતા દીપડાનું મોત
- દીપડાનું પીએમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા
- અગાઉ પણ ચીખલી પંથકમાં દીપડા અકસ્માતનો ભોગ બન્યા છે
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી (Chikhli, Navsari District) પંથકમાં દીપડા (Panther)ઓ રાત્રી દરમિયાન એક ગામમાંથી બીજા ગામમાં ફરતા હોય છે, જેમાં ઘણીવાર રસ્તા ઓળંગતી વખતે અકસ્માત (Accident)નો ભોગ બને છે અને જીવ ગુમાવે છે. ગત રાત્રે પણ ચીખલી નજીક નેશનલ હાઇવે નં. 48 (National Highway Number 48) ઓળંગતી વખતે એક દીપડો અજાણ્યા વાહનની અડફેટે ચડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
શિકારની શોધમાં 12 ગામ ફર્યો દીપડો
નવસારી જિલ્લામાં દીપડાઓ દેખાવા સામાન્ય ઘટના છે. ખાસ કરીને શેરડીના ખેતરોમાં અને નદી કિનારાની કોતરોમાં દીપડા પોતાનું ઘર બનાવતા હોય છે. એક જ રાતમાં શિકારની શોધમાં દીપડો 12 ગામડાઓ ફરી લેતો હોવાની માહિતી જાણકારો આપે છે.
વાહનની અડફેટે ચડતા દીપડાનું મોત
ગત દિવસોમાં ચીખલી, વાંસદા તાલુકાના ગામડાઓમાં રસ્તાની નજીકના ખેતરોમાં ફરતા દીપડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં પણ રસ્તો ઓળંગતી વખતે દીપડા અકસ્માતનો ભોગ બન્યા હતા અને જીવ ગુમાવવો પડ્યો હતો. ગત રાતે પણ ચીખલી તાલુકાના મજીગામે આવેલા દિનકર ભવન પાસેથી એક દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે અજાણ્યા વાહનની અડફેટે ચડતા દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ.
દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
ઘટનાની જાણ વન વિભાગની ચીખલી રેન્જને થતા વિભાગના અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાંથી મૃતક દીપડાનો કબજો લઈ તેનું પીએમ કરાવ્યા બાદ નિયમાનુસાર તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો: પોલીસના ગ્રેડ પે વધારા મુદ્દે ભુજમાં પણ આંદોલન, બાળકોથી માંડી સૌ કોઈએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે, કહ્યું- વરિષ્ઠ નેતાઓને મનાવવા અમે તૈયાર છીએ