- આઠ ગ્રામ પંચાયતોનો નવસારી-વિજવલપોર પાલિકામાં સમાવેશ થતા વીજ બીલ મુદ્દે વિવાદ
- ગ્રામ પંચાયતોના આગેવાનોએ ધારાસભ્યને કરી રજૂઆત
- રજૂઆતના પગલે વીજ કનેક્શન મુદ્દે કાર્યવાહી અટકાવાઈ
નવસારીઃ નવસારી નગર પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ 8 ગ્રામ પંચાયતોનો કારભાર પાલિકાએ પોતાના હાથમાં લીધો છે. જેમાં ગ્રામ પંચાયતોમાં આવેલી સોસાયટીઓના વોટર વર્ક્સના લાઈટ બીલ ભરવા મુદ્દે પાલિકાએ હાથ ઉંચા કરતા, વીજ કંપનીએ સોસાયટીઓને નોટીસ પાઠવી 4 મહિનાના બાકી લાઈટ બીલ ભરવા જણાવતા મામલો ગરમાયો હતો.
32 લાખના વીજ બીલ હતા બાકી
નવસારી નગર પાલિકાનું હદ વિસ્તરણ થતા કબીલપોર ગ્રામ પંચાયતનો કારભાર નવસારી-વિજલપોર નગર પાલિકાએ પોતાના હસ્તક લઇ લીધો છે. જેમાં કબીલપોર ગ્રામ પંચાયત સમયે મોટાભાગની ખાનગી સોસાયટીઓના વોટર વર્કસના લાખોના લાઈટ બીલ સરકારી યોજના હેઠળ ભરાતા હતા. પરંતુ કબીલપોર નવસારી-વિજલપોર નગર પાલિકામાં ભળતા જ સોસાયટીઓને વોટર વર્કસના બીલો ભરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટીસો પાઠવતા સોસાયટીવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકામાં ભળવા પૂર્વે કબીલપોર ગ્રામ પંચાયતની અંદાજે 3 કરોડની આવક હતી, પણ પાલિકા સુવિધા આપવાથી છટકી રહી હોવાના આક્ષેપો સાથે સોસાયટીઓના લાખો રૂપિયા બીલો મુદ્દે આગેવાનોએ ધારાસભ્ય પીયૂષ દેસાઈને સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી હતી.
નિર્ધારિત સમયમાં વીજ બીલ ભરવા સોસાયટીઓને નોટીસ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકામાં મળેલી આઠેય ગ્રામ પંચાયતોમાં વિજ બીલ મુદ્દે ઉઘરાણી કરી હતી. જેમાં નવસારી-વિજલપોર પાલિકાએ સોસાયટીઓના વોટર વર્ક્સના બીલો જે તે સોસાયટી પાસે જ વસુલવાનો પત્ર પાઠવતા વીજ કંપનીએ સોસાયટીઓને લાખો રૂપિયા બીલ નિર્ધારિત સમયમાં ભરવા માટેની નોટીસ પણ પાઠવી છે. ત્યારે સોસાયટીઓના આગેવાનોએ સંબંધીતોને રજૂઆત કરતા વીજ કંપની દ્વારા ઉપરી કક્ષાએથી નિર્ણય બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ગામડાને લાભ, શહેરને કેમ નહીં
ગ્રામ પંચાયતોમાં ખાનગી સોસાયટીઓને સરકારી યોજના હેઠળ વોટર વર્કસના લાઈટ બીલો ન ભરવાનો લાભ શહેરમાં આવતા જ જતો રહ્યો છે. જેથી જ્યારે સરકાર ગ્રામ્ય વિસ્તારમાં યોજનાકીય લાભ આપી શકે, તો શહેરી વિસ્તારમાં કેમ નહીંનો પ્રશ્ન જનમાનસમાં ચર્ચાએ ચઢ્યો છે.