- જિલ્લામાં કોરોનાના 914 દર્દીઓ સારવાર હેઠળ
- નવસારીમાં મંગળવારે સૌથી વધુ 105 દર્દીઓ સાજા થયા
- કોરોનાથી મંગળવારે વાંસદાના યુવાનનું મોત નિપજ્યું
નવસારી: શહેર-જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ લોકોની ચિંતા વધારી છે. જિલ્લામાં કોરોનાના વધુમાં વધુ 30 કેસો નોંધાતા હતા, હવે રોજના 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાય છે. નવસારીમાં મંગળવારે નવા 128 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસ 914 પર પહોંચ્યા છે. બીજી તરફ કોરોના સામે જંગ જીતવામાં આજે વધુ 105 દર્દીઓ સફળ રહ્યા છે. જે એક દિવસમાં સાજા થનારા દર્દીઓનો સૌથી વધુ આંક છે. જ્યારે મંગળવારે વાંસદાના 42 વર્ષીય યુવાનનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. જેની સાથે એપ્રિલ મહિનામાં કોરોનાએ 8 લોકોનો ભોગ લીધો છે.
નવસારીમાં કોરોનાના કુલ 3407 પોઝિટિવ કેસો નોંધાયા
નવસારીમાં એપ્રિલ 2020માં શરૂ થયેલો કોરોના ફેબ્રુઆરી સુધી ધીમો પડતો ગયો હતો. ત્યારબાદ ફરી કોરોનાની બીજી લહેરે જિલ્લાને હચમચાવી મૂક્યો છે. માર્ચ બાદ એપ્રિલ મહિનામાં કોરોનાની રફ્તાર ઝડપી બની છે. જેની સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3407 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે. જોકે, કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. જેમાં નવસારી જિલ્લામાં અત્યાર સુધી 2385 લોકોએ કોરોનાને હરાવ્યો છે. પરંતુ કોરોનાની જે ગતિ છે, તેને જોતા કોરોનાને હરાવનારા કરતા પોઝિટિવ કેસ 42 ટકા વધુ જોવા મળી રહ્યા છે. જ્યારે કોરોનાને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 108 લોકોએ જીવ ગુમાવ્યો છે.