નવસારી: કોરોનાની મહામારી વચ્ચે કોરોના ફેલાવવાની અફવાઓ વધી રહી છે, ત્યારે નવસારી હાઈ-વે પર ખડસુપા પેટ્રોલ પંપ પર ગત રોજ એક યુવાને ચલણી નોટ ફેંકી હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આજે યુવાનને વલસાડથી ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન હાથે દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે. જોકે, સચ્ચાઈ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
કોરોનાની મહામારી વચ્ચે અનેક અફવાઓ પણ ઉઠી છે. જેમાં ગત દિવસોમાં કોરોના સંક્રમણ ફેલાવવા અમદાવાદ બાદ સુરતમાં ચલણી નોટો ફેંકી હોવાની વાતો સામે આવી હતી. દરમિયાન નેશનલ હાઇ-વે નં. 48 પર નવસારીના ખડસુપા ગામના પેટ્રોલ પંપ પર ગત રોજ મોપેડ પર આવેલો એક યુવાન પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. જેણે પેટ્રોલ ભરાવ્યા બાદ એટેન્ડન્ટને રૂપિયા આપ્યા અને ત્યારબાદ પોતાના જમણા હાથમાં એક નોટ અલગથી કાઢી હતી અને મોપેડ પર બેસતી વખતે તેને પંપ નજીકમાં ફેંકી હતી.
સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ પણ થયો હતો. વીડિયો જોયા બાદ નવસારી ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજને આધારે યુવાનના મોપેડના રજિસ્ટ્રેશન નંબર પરથી તેની ઓળખ કરી હતી. જેમાં યુવાન વલસાડનો મોહમ્મદ યુસુફ ઇલયાસ શેખ હોવાનું સામે આવતા પોલીસે ગુરૂવારે તેની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી યુસુફ શેખે જણાવ્યું કે, તેની નવસારીની યશફિન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને રૂટિન ચેકઅપ કરાવવા માટે આવ્યો હતો. જયાંથી પરત વલસાડ જતી વખતે ખડસુપા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો, જ્યા હાથમાં દિવ્યાંગતાને કારણે ચલણી નોટ પડી હોવાની કેફિયત રજૂ કરી હતી.
સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસના ઇન્સ્પેકટર પી.પી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપ પર ચલણી નોટ ફેંકવાના વીડિયોને આધારે વલસાડથી યુવાનને પકડ્યો છે. વીડિયોમાં એણે નોટ ફેંકી હોવાનું જ જણાય છે, પણ એના જમણા હાથમાં દિવ્યાંગતા છે, જેથી અમે પણ થોડા દ્વિધામાં છે, જો કે, આ બાબતે તપાસ ચાલી રહી છે.