નવસારી/દેવધાઃ પ્રાચીન સમયમાં ગુરુકુલ પ્રથા હતા. ઝાડની નીચે અને પ્રકૃતિના સાનિધ્યમાં અભ્યાસ કરવાનો. પણ મેટ્રો કલ્ચર અને સ્માર્ટ ક્લાસરૂમે પ્રકૃતિથી સૌને અલગ કરી દીધા. પણ આવી ગુરૂકુલ જેવી લાયબ્રેરી જોવી હોય તો એના દર્શન નવસારી પાસે આવેલા દેવધા ગામની મુલાકાત કરવી પડે. દેવધા ગામે કુદરતી વાતાવરણમાં આંબા-ચીકુની વાડીના વચ્ચે પ્રાકૃતિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં આસપાસના 20 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ અને યુવાનો તેમજ વાંચવા માટે આવે છે.
વાંચન કુટિર તૈયારઃ વાંચન પ્રેમીઓ માટે મોહન વાંચન કુટીર પ્રથમ પસંદ બની છે. નવસારીનો ગણદેવી તાલુકો નંદનવન તરીકે ઓળખાય છે. અહીં અંબિકા નદીના કિનારે વસેલા દેવધા ગામે એક અનોખી લાઇબ્રેરી ચાલે છે. આ વાડી મોહન કાકાની વાડીથી જાણીતી છે. કોરોના કાળમાં મોહન કાકા નું 91 વર્ષની વયે નિધન થયું હતું. તેમનું એક સ્વપ્ન હતું કે બાળકો યુવાનો સહિત સૌની પુસ્તક પ્રત્યે રુચિ વધે અને વાંચનનું મહત્વ સમજે.
લાયબ્રેરીનું સપનું હતુંઃ વિદ્યાર્થીઓ પુસ્તકોનું મહત્વ સારી રીતે લોકો સમજી શકે તે હેતુસર સ્વ મોહનકાકા એ આ જગ્યાએ લાઇબ્રેરી બનાવવામાં આવે તેવું એમનું સ્વપ્ન હતું. જેથી મોહનકાકાના પૌત્ર ડોક્ટર જય વસી દ્વારા પરબ પ્રોજેક્ટ શરૂ કર્યો. વેકેશનમાં વોટરપાર્ક એમ્યુઝમેન્ટ પાર્કના ક્રેઝ સામે પ્રકૃતિના ખોળે બેસી વાંચન થઈ શકે. તેવા ઉમદા વિચાર સાથે ડોક્ટર જય વસીએ મોહન વાંચન કુટીર પ્રાકૃતિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે.
સામાન્ય સુવિધાઓઃ આ પ્રાકૃતિક લાઇબ્રેરીમાં આધુનિક સુખ સુવિધા ન હોવા છતાં પણ યુવાનો વિદ્યાર્થીઓ અને વૃદ્ધો પોતાનો મોટેભાગનો સમય અહીં કેરી અને ચીકુની વાડીમાં વાંચન કરીને પસાર કરે છે. મનગમતા પુસ્તકોનું વાંચન કરીને જ્ઞાન અને શબ્દોની તૃપ્તિ કરે છે. પોતાના અભ્યાસના અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકોનો સમય હોશે હોશે વિતાવે છે.
કેટલા પુસ્તક મળેઃ આ લાયબ્રેરીમાં આજે 2000થી વધુ પુસ્તક છે. અહીં પુસ્તકોને સુંદર રીતે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેથી વાંચકોને પોતાના મનગમતા પુસ્તકો સહેલાઈથી મળી શકે. બીજી તરફ અહીં પુસ્તકો વાંચવા માટેની બેઠક વ્યવસ્થામાં ખાટલા તેમજ ગાયના છાણની લીપણ વાળી બેઠક છે. કોથળાઓ પાથરવામાં આવ્યા છે. જેના પર બેસીને યુવાનો વાંચન કરી રહ્યા છે. જાણીએ વાંચનપ્રેમી વિદ્યાર્થીઓનો મત.
લાયબ્રેરી તો ઘણી જોઈ છે. નજીકના ગામમાં આવી લાયબ્રેરી પહેલીવાર જોઈ છે. મોહન વાંચન કુટિર છે શું એ જાણવા માટે અહીં આવ્યો. પણ અહીં શાંતિના વાતાવરણમાં વાંચવા મળે છે. અભ્યાસક્રમના પુસ્તકો વાંચી શકાય છે. ઘરનું વાતાવરણ પણ એટલું વાંચન યોગ્ય ન પણ હોય. પણ શાંતિ મેળવવા માટે અને પુસ્તકો વાંચવા માટે એક પ્રકૃતિના ખોળે વાંચવાની મજા અલગ છે.---પાર્થ હુક્કળ (વિદ્યાર્થી)
વાંચન કુટિરનો હેતુંઃ ડોક્ટર જય વસી એ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થા પરબ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે સતત કામ કરતી આવી છે. યુવા પેઢીમાં વાંચનનો વિકાસ થાય તે હેતુથી મોહન વાંચન કુટીરનું નિર્માણ કર્યું છે. જે નેચરલ વાતાવરણની વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે. અહીં જુદા જુદા ગામોના બાળકો લાઇબ્રેરીમાં વાંચન માટે આવે છે. યુવા પેઢી વાંચન પ્રત્યે જાગૃત થાય તેમ જ સ્પર્ધાત્મક પરીક્ષાનો દોરમાં બાળકોને વાંચવા માટેની તકલીફ ના પડે અને તેમને પૂરતી તૈયારી કરવાનો માહોલ મળે તે હેતુસર કુદરતી વાતાવરણ અને પક્ષીઓનો કલરવ વચ્ચે આ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. અમારી આ લાઇબ્રેરીમાં મોબાઇલ બંધ કરાવવામાં આવે છે. જેથી એકાગ્રત ચિત્તે વાંચન કરી શકાય.