નવસારી : છેલ્લા એક મહિનાથી નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં લૂંટના બનાવ વધ્યા હતા. જેમાં પીક પોઈન્ટ ઉપર રસ્તે જતા એકલદોકલ વ્યક્તિઓને રોકી અને ચાકુ બતાવી લૂંટ અને ચીલઝડપ કરતી ગેંગનો ત્રાસ હતો. આ મામલે નવસારી પોલીસની LCB ટીમે 4 શખ્સને ઝડપી પાડી લૂંટના ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
શહેરમાં લૂંટના બનાવ વધ્યા : નવસારીમાં છેલ્લા એક મહિનાથી રાત્રીના સમયે પુરુષો અને મહિલાઓ અથવા પીક પોઈન્ટ અને રસ્તામાં એકલદોકલ જતા લોકો સાથે લૂંટના બનાવ વધ્યા હતા. અજાણ્યા ઈસમો નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર આવી ચપ્પુ બતાવી લૂંટ અથવા ચીલઝડપ કરી નાસી જતા હતા. નવસારી શહેર વીજલપુર તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ પ્રકારના કુલ ચાર જેટલા ગુના નોંધાયા હતા.
નવસારી પોલીસની કાર્યવાહી : આ બાબતે તમામ આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક વી. ચંદ્રશેખર તેમજ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તરફથી નવસારી LCB પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં નવસારી LCB પોલીસના PI દિપક કોરાટ અને તેમની ટીમ દ્વારા ખાનગી બાતમીદારો રોકી આ આરોપીઓ ઉપર જરૂરી વોચ રાખી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેમના અંગત બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનો કરનાર આરોપીઓ ફરીથી લૂંટ કરવા સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે.
4 આરોપી ઝડપાયા : આ બાતમીને આધારે LCB પોલીસ ટીમ સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી ત્યાં હાજર 4 શખ્સની અટકાયત કરી હતી. જેમાં સુરત ખાતે રહેતો 22 વર્ષીય પ્રકાશ ગોરાવા, ટેકનિકલ હાઇસ્કૂલ પાસે છાપરામાં રહેતો 24 વર્ષીય સોહીલ ઉર્ફે કાલુ રજાક શા, તીઘરા નવી વસાહત ખાતે રહેતો 24 વર્ષીય સલમાન ઉર્ફે સલ્લુ રસીદ બનેખા પઠાણ તેમજ તીઘરા નવી વસાહત ખાતે રહેતો 25 વર્ષીય મુજાહિદ મુજમીલ પઠાણ લૂંટના 2 લાખ 20 હજારના તમામ મુદ્દામાલ તેમજ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે ઝડપાયા હતા.
લુટારુંઓની મોડસ ઓપરેન્ડી : આરોપીઓની મોડસ ઓપરેન્ડી આ તમામ આરોપીઓ રાત્રી દરમિયાન શહેરના સુમસામ વિસ્તારમાં એકલદોકલ જતાં રાહદારીઓને ટાર્ગેટ કરી પોતાની પાસે રહેલો છરો બતાવી લૂંટ કરતા. ત્યારબાદ અંધારાનો ફાયદો મેળવી ફરાર થઈ જતા હતા. તેઓ લૂંટ કરીને મેળવેલા પૈસાને મોજ શોખમાં વાપરતા હતા. નવસારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ નવસારી જિલ્લામાં બનેલા 3 લૂંટના બનાવો તેમજ એક ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલી નવસારી LCB પોલીસે વધુ બનાવો બનતા અટકાવ્યા છે.
4 ગુનાનાં ભેદ ઉકેલાયા : આ અંગે નવસારી નાયબ પોલીસ અધિક્ષક વી. એન. પટેલે જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલદોકલ વ્યક્તિને છરો બતાવી લૂંટ કરતી ગેંગને નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. જેઓની પાસેથી મોબાઈલ, સોનાની ચેન, નંબર પ્લેટ વગરની મોટરસાયકલ અને લૂંટ કરવા માટે વપરાતો છરો સહિત 2 લાખ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે નવસારીમાં બનેલા ચાર ગુનાઓ પણ ઉકેલાયા છે.