નવસારી: ખેરગામ ખાતે બનેલા બહુ ચર્ચિત પોક્સો અને લવ જેહાદના પ્રકરણમાં મુખ્ય આરોપી અસીમ શેખ બાદ ફરાર મુખ્ય મદદગાર રોનક પટેલની નવસારી એલસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અસીમ શેખના નવ દિવસના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ આ ઘટનાના મુખ્ય મદદગાર અને ભાગતા ફરતા બીજા આરોપી એવા રોનક પટેલની પણ નવસારી એલસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો મામલો: આ ઘટનાના મુખ્ય આરોપી અસીમ શેખ દ્વારા ખેરગામની સગીરા સાથે ચાર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કરી આ મામલે પોતે સગીરા સાથે લગ્ન કરશે તો હિન્દુ મુસ્લિમ ઝઘડા થવાની તેમજ લવજેહાદનો કેસ નોંધાવાની શક્યતાઓને પગલે અસીમ શેખ દ્વારા સગીરાને બીલીમોરા ખાતે રહેતા તેના સાગરીત રોનક પટેલ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તારીખ 23 જૂનના રોજ ખેરગામ પોલીસ મથક ખાતે નોંધાયેલા આ ગુના બાદ સમગ્ર ખેરગામ પંથક તેમજ નવસારી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.
બંને આરોપીઓ ફરાર: જેને પગલે આ ઘટનામાં સામેલ બંને આરોપીઓ અસીમ શેખ અને રોનક પટેલ ફરાર થઈ ગયા હતા. ખેરગામ પોલીસ દ્વારા આ બંને આરોપીઓની સઘન તપાસ બાદ પણ બંને આરોપીઓ નહીં મળી આવતા નવસારી જિલ્લા પોલીસવડા દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી.
મુખ્ય આરોપી મુંબઈથી ઝડપાયો: નવસારી એલસીબી પોલીસે તપાસ સોંપવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અને 19 જેટલા ગુનાઓના આરોપી એવા મુખ્ય આરોપી અસીમ શેખને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કડક પગલાં લઈ ગતરોજ ખેરગામ ખાતે મુખ્ય બજારમાં તેનું સરઘસ કાઢી પોલીસની ઉમદા કામગીરીનો દાખલો બેસાડ્યો હતો. ત્યારબાદ આજરોજ આ ઘટનાના ભોગ બનનાર સગીરા સાથે લગ્ન કરનાર અને અસીમ શેખના મુખ્ય સાગરીત મદદગાર એવા બીલીમોરા ખાતે રહેતા રોનક પટેલને પણ ઝડપી પાડ્યો હતો.
"ખેરગામ ખાતે લવ જેહાદ અને પોક્સો પ્રકરણમાં મુખ્ય આરોપી અસીમ શેખની ધરપકડ બાદ આ પ્રકરણમાં અસીમ શેખના મુખ્ય મદદગાર રોનક પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના સંદર્ભે અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે લગ્ન કરાવનાર પૂજારી વકીલ અને આરોપીના મદદગાર પરિવારજનો સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે." - એસ કે રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
મુખ્ય આરોપીના નવ દિવસના રિમાન્ડ: આ સમગ્ર બનાવ બાદ નવસારી એલસીબી પોલીસ દ્વારા આ ગુના સંદર્ભે અસીમ શેખને કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ રોનક પટેલ તેમજ અસીમ શેખ સામે આ ઘટના સંદર્ભે અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે