નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની વકીને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને લઇ માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવી હતી. જ્યારે વાવાઝોડુ નિસર્ગ અને તેના કારણે ભારે પવનો ફૂંકાવાની સંભાવનાને જોતા માછીમારો પણ દરિયાથી દૂર રહ્યા હતા.
દિવાદાંડી-માછીવાડ ગામના સ્થાનિક માછીમારોએ પણ જૂની જેટ્ટી નજીક પોતાની હોડીઓ લાંગરી, સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. જ્યારે તંત્ર દ્વારા ગ્રામજનોને નજીકના ગામની સરકારી શાળાઓ અને કોળી પટેલ સમાજની વાડીમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યા તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે દરિયામાં થોડો કરંટ જોવા મળ્યો હતો, પણ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જવાને કારણે નવસારીમાં કોઈ મોટી અસર જોવા મળી ન હતી.



