નવસારી: જિલ્લાના જલાલપુર અને ગણદેવી તાલુકામાંથી પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત 2 હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી છે. જે મુદ્દે ખેડૂતોએ જમીન સંપાદનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને આ હાઈ ટેન્શન લાઈન ખેતીવાડી વિસ્તારમાંથી ના લઈ જવામાં આવે તેવી રજૂઆત કરી છે. જે બાદ પણ આ લાઈન ફરી ખેતી વિસ્તારની જમીનમાંથી લઈ જવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો મરોલી કોળી સમાજની વાડી ખાતે ભેગા થઈ વિરોધ કર્યો હતો.
" અમારા વિસ્તારમાંથી જે હાઈટેન્શન લાઇન પસાર થઈ રહી છે. જેને લઇને ખેડૂતોની જમીનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી આ હાઈ ટેન્શન લાઈન ખારાપટ વિસ્તારમાંથી લઈ જવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે તેમ છે. સાથે સરકાર જે આ જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર આપવાનું કહે છે તે વળતર પણ યોગ્ય નથી. જેથી સરકાર એક મૂલ્યાંકન સમિતિની રચના કરી આ મુદ્દે વિશેષ ચર્ચા કરી અને જે ભાવ નક્કી થાય તે સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી અમારી રજૂઆત છે."--દિલીપ રાયકા(ખેડૂત આગેવાન)
ખેડૂતોના જણાવ્યા મુજબ: નવસારી જિલ્લામાંથી ગણદેવી અને જલાલપુર તાલુકા મળી 45 ગામોમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. જેને લઇ પાવર ગ્રીડ કોર્પોરેશનના જાહેરનામા મુજબ બે હાઈ ટેન્શન લાઈન 765 કેવી અને 400 કેવી જલાલપુર તાલુકાના દીપલા મુકામેથી પસાર થતી હતી. જેમાં જલાલપુર તાલુકાના 15 જેટલા ગામો ઇફેક્ટ થતા હતા. જે જાહેરનામું બહાર પડ્યું તે કચ્છ ખાવડાથી અમદાવાદ મુંબઈ તરફ આ લાઈન વેસ્મા થઈ જલાલપુર તાલુકાના દીપલા સુધી આવે છે.
ખેડૂતોની જમીનને મોટું નુકસાન: 28 ગામોને આ હાઇ ટેન્શન લાઇનથી ઈફેક્ટ થાય છે. જેમાં ખેડૂતોની જમીનને મોટું નુકસાન થાય તેમ છે. કારણ કે 90 ટકા જમીન ખેતીની અને બિન ખેતીની વપરાય છે. 10 ટકા સરકારી જમીન વપરાય છે. તેથી ખેડૂતો દ્વારા સર્વે કરી એક પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે. બીજી તરફ ખેડૂતો દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં સાડા ત્રણ કિલોમીટર જેટલી લેન્થ પણ ઘટી જાય છે. જેમાં સરકારના ખર્ચ પણ ઘટે છે. ખેડૂતોની ફળદ્રુપ જમીન બંજર થતા અટકી શકે છે.
સી આર પાટીલને પણ રજૂઆત કરી હતી: આ મામલે અગાઉ નવસારીના સાંસદ સી આર પાટીલને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પાવર ગ્રીડ મુદ્દે એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ એમાં પણ વળતર અંગે કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી. પાવર ગ્રેડનું કામ હાલ જોરમાં ચાલી રહ્યું છે. જમીન સંપાદનની પ્રક્રિયા સહિતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશન જે બીજી લાઈન નાખવામાં આવી રહી છે. સરકાર એક મૂલ્યાંકન સમિતિ રચી ખેડૂતો સાથે આ મુદ્દે વિશેષ ચર્ચા કરી જમીન સંપાદનના જે ભાવ નક્કી થાય તે સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ હાઈ ટેન્શન લાઈન ખારપાટની જમીનમાંથી લઈ જવામાં આવે તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ઉપયોગી સાબિત થાય તેમ છે.