નવસારી: ડાંગરની ખેતી પર નિર્ભર રહેતો ખેડૂતોનો મોટો વર્ગ છે. વરસાદ શરૂ થવાની સાથે જ ડાંગર વાવવા માટેની શરૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જેમાં પાંચથી સાત જાતના ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. સદલાવ ગામના ખેડૂત પિનાકીન પટેલના જણાવ્યા મુજબ 2011ની સાલમાં વહેલો વરસાદ આવવાના કારણે ધરુંવાળીયું તૈયાર કરવાનો મોકો ન મળતા મેં સીધું વાવેતર કર્યું હતું. જેમાં મને સારી સફળતા મળતા છેલ્લા બાર વર્ષથી પુખીને વાવણી કરવાની પદ્ધતિ એટલે કે સીધું વાવેતર કરવાની પદ્ધતિ અપનાવી ડાંગરની ખેતી કરી રહ્યા છે.
સામાન્ય રોપણીમાં નુકસાન જવાની ભીતિ: ખેડૂતોને બિયારણ, ફેર રોપણી, ઘાવલ, ધરુવાર્યું તૈયાર કરવાનો ખર્ચ એક વીઘા દીઠ અંદાજિત 6,500થી 7 000 રૂપિયાનો થાય છે.ડાંગર વાવીને ધરૂવાર્યું તૈયાર કરવામાં અંદાજિત 25થી એક મહિના સુધીનો સમય લાગે છે. ડાંગર તૈયાર થતા ખેડૂતને વીઘા દીઠ 6500થી 7000 રૂપિયાનો ખર્ચ સાથે સમય પણ વધુ લાગે છે. સાથે આ ડાંગરને વધુ વરસાદની જરૂર પણ પડતી હોય છે. વરસાદની અનિયમિતતાના કારણે પણ સામાન્યપણે કરવામાં આવતી રોપણીમાં નુકસાન જવાની ભીતિ હોય છે. પરંતુ નવસારીના સદલાવ ગામના ખેડૂત પિનાકીન પટેલ દ્વારા સરળ રીતે અને ઓછા ખર્ચ અને સમયની બચત સાથે સામાન્ય રીતે કરવામાં આવતી રોપણી જેટલું જ સમકક્ષ ઉત્પાદન પોતાની કોઠાસૂઝથી લઈ રહ્યા છે.
પુખીને પદ્ધતિનો ખર્ચ: જેમાં ઘાવલ કરવાનો ખર્ચ 2000થી 2500, ધરું તૈયાર કરવામાં 1000 થી 1200 રૂપિયા અને ફેર રોપણી કરવાનો ખર્ચ 3000 રૂપિયા અને 40% જેટલો ખાતરનો ખર્ચ એક વીધા દીઠ થતો હોય છે. આ તમામ ખર્ચ પુખીને વાવણી કરવાથી બચી જાય છે. જેને લઇ અંદાજિત 5000થી 5500 સુધીની વીઘા દીઠ ખેડૂતની બચત થાય છે. જે સામાન્ય ખેડૂતો માટે સૌથી સારી બાબત છે.
આર્થિક ફાયદા: આ પદ્ધતિ અપનાવાથી નિંદામણનો પ્રશ્ન પણ નહિવત રહે છે અને સામાન્ય રોપણી જેટલું સમકક્ષ ઉત્પાદન લઈ શકાય છે. તેથી ખેડૂતો માટે આ પદ્ધતિ ઘણી કારગત પદ્ધતિ સાબિત થઈ રહી છે. જેમાં ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન મજુરની અછતનો વિકલ્પ પણ પુખીને પદ્ધતિ દ્વારા પૂરો કરી શકાય છે. બીજી તરફ આ વાવણીમાં સામાન્ય વરસાદમાં પણ સારો પાક તૈયાર થાય છે. જેથી ખેડૂતો પુખીને પદ્ધતિ દ્વારા જો ડાંગરની વાવણી કરે તો તેઓના આર્થિક ફાયદા સાથે સમયની બચત સાથે સારું ઉત્પાદન લઈ શકાય છે.
સમયની બચત: નવસારી એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટીના એક્સપર્ટ કિંજલ શાહ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડાંગરની વાવણીમાં પુખીને કરવાની પદ્ધતિ જુનવાણી પદ્ધતિ છે. જે પ્રમાણે વાવેતર કરવાથી ખેડૂતને આર્થિક ભારણ ઓછું થાય છે. સાથે સમયની બચત અને સામાન્ય પણે કરવામાં આવતી રોપણી જેટલું જ ઉત્પાદન મળી રહે છે. જેથી આ પદ્ધતિ ખેડૂતો માટે ઘણી ફાયદાકારક છે.