નવસારી: જિલ્લાના ચીખલી પોલીસે અલગ અલગ જિલ્લામાંથી ચોરાયેલા રૂપિયા 6,29,000 ની કિંમત ના કુલ 49 મોબાઇલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક એસ.કે .રાય દ્વારા ચીખલી વિસ્તારમાં બનતા મોબાઇલ ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડવા માટે આપવામાં આવેલી સૂચના ના અનુસંધાનમાં ચીખલી ના પીઆઈ બી એમ ચૌધરી બાતમીના આધારે તપાસ કરી હતી.
"ચીખલી પોલીસ સ્ટાફે બાતમીને આધારે શંકાસ્પદ બે ઈસમોની પૂછપરછ કરતા તપાસ દરમિયાન તેઓ પાસે બે બેગ માં અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરી કરેલા 49 મોબાઈલ મળી આવ્યા હતા. જેઓની પૂછપરછ કરતા તેઓની ગેંગના ત્રણ સગીર વયના કિશોર પણ હોવાની વાત સામે આવી હતી. જેઓ પાસેથી 6,29,000 નો મુદ્દા માલ કવર કરી 19 ગુનાઓ ડિટેક્ટ થયા છે."-- સુશીલ અગ્રવાલ (જિલ્લા પોલીસ વડા)
ચીખલી પોલીસ વધુ તપાસ કરી: બાતમીના આધારે તેમણે ચીખલી બસ ડેપો પાસે ઉભા રહેલા બે શંકાસ્પદ ઈસમોની ઝડતી કરતા આ બંને ઈસમ પાસેથી ચોરી કરવામાં આવેલા રૂપિયા 6,29,000 ની કિંમતના કુલ 49 મોબાઈલ મળી આવ્યા હતા. જેથી ચીખલી પોલીસે મૂળ ઝારખંડના અને હાલ સુરત ખાતે રહેતા 26 વર્ષીય સુધીરકુમાર મણી રવિદાસ તેમજ મૂળ બિહારના અને હાલ સુરત ખાતે રહેતા 22 વર્ષીય બબલુ કુમાર પપ્પુ શાહની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આ મોબાઈલ તેમણે ચીખલી નવસારી કામરેજ બારડોલી ઉધના કાપોદ્રા વલસાડ વાપી પુણા વાપી તેમજ સુરત સહિતના એસટી ડેપો તેમજ રેલવે સ્ટેશન ઉપરથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બે ઈસમો સાથે બીજા ત્રણ સગીર વયના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો પણ આ ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ચીખલી પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાહદારીને ટાર્ગેટ કરી મોબાઇલ ચોરી: આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ કમાલની હતી જેવો બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કે શાકભાજી માર્કેટ જેવા વિસ્તારો જ્યાં ભીડભાડ વધુ થતી હોય છે. ત્યાં પહોંચી તેઓની ટોળકીના સગીર વયના કિશોરોને ધક્કો મારી પાડી દેતા હતા. જેમાં ત્યાંથી પસાર થતા કોઈપણ રાહદારી આ બાળકને મદદ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે આ ગેંગએ રાહદારીને ટાર્ગેટ કરી તેનો મોબાઇલ ચોરી કરી લેતી હતી.