નવસારીઃ અરબ સાગરમાં બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સર્જાયેલુ નિસર્ગ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાની સંભાવનાઓને જોતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લાના ગણદેવી તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જેમાંથી કાંઠાના વધુ પ્રભાવિત થનારા ધોલાઈ, મેંધર અને ભાટ ગામના અંદાજે 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરી તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને પગલે નવસારીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ચીખલી પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તથા સ્થાનિક આગેવાનોએ ત્રણેય ગામોમાં ફરીને ગામના સરપંચ અને આગેવાનોને ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી. આ સાથે જ ગણદેવી પોલીસની ટીમો પણ ત્રણેય ગામોમાં મૂકવામાં આવી છે, જેથી લોકોના સ્થળાંતરમાં મુશ્કેલી ન સર્જાય.
![નવસારીના ગણદેવી તાલુકાના 3 ગામોના સ્થળાંતરની તૈયારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-sthadantar-taiyari-rtu-gj10031_02062020143922_0206f_01469_113.jpg)