નવસારી : નકલી નોટ છાપી ઝડપથી પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે. ત્યારે ફરીવાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ બનાવી તેને બજારમાં વટાવે તે પહેલા જ એક આરોપીને નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડયો છે.
બનાવટી ચલણી નોટ બનાવતો હતો : પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ અને સ્કેનર સાથે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના હાથે ઝડપાઈ ગયો હતો .
એસઓજીની ટીમ દ્વારા ઝડપાયો : આરોપી તેજસ ચૌહાણ નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. એસઓજીની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવતા તેની પાસેથી 200ના દરની 56 અને 100ના દરની 6 એમ કુલ 62 નોટ મળી કુલ રૂપિયા 11800ની કિંમતની નકલી ચલણી નોટ મળી આવી હતી. ત્યારે એસઓજી પોલીસે નકલી ચલણી નોટ અને સ્કેનર મળી કુલ 10100ના મુદ્દા માલ સાથે તેને ઝડપી પાડ્યો છે.
ચીખલી પોલીસ કરશે વધુ તપાસ : જાણવા મળતી માહિતી મુજબ તેજસ ચૌહાણ ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલો હતો અને ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં તેણે ભારતીય ચલણી નોટો સ્કેન કરી A-4 પેજમાં છાપી હતી. SOG ના જણાવ્યા મુજબ આ નોટો તે બજારમાં વટાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ બાતમીના આધારે તે ઝડપાઈ ગયો હતો ત્યારે આ સમગ્ર કેસની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે. આ કેસમાં અન્ય આરોપી તેની સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે તપાસ બાદ ખુલાસો થશે.