નવસારી : રાજ્યભરમાં અવનવા પેતરાથી અને ઓનલાઇન લોકોને ઠગવાના કિસ્સાઓનો વ્યાપ વધી રહ્યો છે જેમાં ભેજાબાજ ઇસમો દ્વારા લોકોને સોનેરી સપના બતાવી લોભામણી લાલચ આપવામાં આવતી હોય છે. જેને કારણે અનેક લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જેના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે નવસારી શહેરમાં ફાઇનાન્સ કંપની શરૂ લોકોના કરોડો રૂપિયા ડુબાડી દેવાનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે. કલ્પેશ કોઠારી સહિત ફિરદોશ ગાય, યોગેશ રાજપૂત અને રિયા શાહ નામના આરોપી પકડી લેવામાં આવ્યાં છે. હાલ પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક સહિત ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ વધુ રોકાણકારો પોલીસ સમક્ષ પહોંચ્યા હતાં. જે રોકાણકારોએ પણ પોતાના પુરાવાઓ રજૂ કરતાં પદ્માવતી ફિનવેકસ દ્વારા આચરવામાં આવેલ છેતરપિંડીનો આંકડો રૂપિયા 3,08,87,240 ઉપર પહોચ્યો છે. હાલ પોલીસે ચાર આરોપીને પકડી પાડ્યા છે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસને વેગ આપ્યો છે....સુશીલ અગ્રવાલ (જિલ્લા પોલીસ વડા )
મામલો શું છે : નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિન વેકસ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી. બેંક કરતા વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી આ ભેજાબાજે લોકો પાસે થાપણ લેવાની શરૂઆત કરી. કોઠારીની લોભામણી સ્કીમમાં લોકો આવવા લાગ્યા અને કોઠારીને કરોડો રૂપિયાની થાપણ મળવા લાગી. બાદમાં કોઠારીએ રિઝર્વ બેંકની કોઈપણ નોંધણી વગર જ બેંક જેવા કારોબારની શરૂઆત કરી નાખી અને ડેઇલી રિકરિંગ, ગોલ્ડ લોન, હોમ લોન વગેરે પણ કંપની આપશે તેવી જાહેરાત કરવાની શરૂઆત કરી.
પાકતી મુદતે નાણાં પરત ન આપ્યાં : કંપનીની આવી લોભામણી જાહેરાતોમાં રોકાણકારો આકર્ષાયા અને એક જ પરિવારના 26 જેટલા સભ્યોએ કોઠારીની પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ કંપની માં 2,37,22,000 નું માતબર રોકાણ કર્યું. આ રોકાણકારોને કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ કોઠારીએ આપી હતી.પરંતુ સમય જતાં રોકાણકારોએ પાકતી મુદ્દત પ્રમાણે મૂળ રકમ અને નફાની રકમ માંગણી કરી. ત્યારે ભેજાબાજ કલ્પેશ કોઠારીએ તેનો મૂળ રંગ બતાવ્યો અને રૂપિયાની ચુકવણી અંગે વાયદાઓ કરવા લાગ્યો. જોકે આખરે આ મામલામાં રોકાણકારોને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા પોલીસનું શરણું લીધું હતું.
અન્ય ફરિયાદી પણ આગળ આવ્યાં : રોકાણકારોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં કલ્પેશ કોઠારી સહિત કંપનીના 5 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જે તપાસમાં પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારીની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ વધુ રોકાણકારો પોલીસ સમક્ષ પહોંચ્યા હતાં. જે રોકાણકારોએ પણ પોતાના પુરાવાઓ રજૂ કરતાં પદ્માવતી ફિનવેકસ દ્વારા આચરવામાં આવેલ છેતરપિંડીનો આંકડો રૂપિયા 3,08,87,240 ઉપર પહોચ્યો છે. હાલ પોલીસે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસને વેગ આપ્યો છે.