નવસારીઃ ચીખલીમાં એક બેકાબૂ કાર હોટલના ડાયનિંગ હોલમાં ઘુસી ગઈ હતી. જેનાથી ઘટના સ્થળે નાસભાગ અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ નં. 48 પર અવાર નવાર માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે. જો કે ચીખલીમાં એક અજીબો ગરીબ અકસ્માત નોંધાયો છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના સલાબતપુરામાં રહેતા મોહમ્મદ સમીર નૂર પોતાના મિત્રો સાથે ચીખલીમાં જમવા આવ્યા હતા. ચીખલીથી સુરત પરત જતી વખતે તેમણે આલ્ફા હોટલમાં ચા પાણી કરવાનું નક્કી કર્યુ. જો કે પાર્કિંગમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતા કારે ગતિ પકડી લીધી હતી. આ બેકાબૂ બનેલ કાર આલ્ફા હોટલના ડાયનિંગ હોલમાં ઘુસી ગઈ હતી. ડાયનિંગ હોલના ટેબલ્સ સાથે આ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ વિચિત્ર અકસ્માતમાં એક વ્યક્તિ નામે મુનીર કાસમભાઈ દિવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમણે સારવાર અર્થે સુરતની લાઈફલાઈન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ નામે જાવેદ રાજુ અને અશોક ઠાકોરને મામૂલી ઈજા થતા પ્રાથમિક સારવાર પૂરી પડાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચીખલી પોલીસને બનાવની જાણ થતાં જ તે ઘટના સ્થળે દોડી આવી હતી. બેકાબૂ કાર ચાલક મોહમ્મદ સમીર નૂરને પોલીસે અટકાયતમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સલાહબતપુરામાં રહેતો મોહમ્મદ સમીર પોતાના મિત્ર સાથે ચીખલી ખાતે જમવા આવ્યો હતો. તે દરમિયાન આલ્ફા હોટલ પાસે ગાડી પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર બેફામ બની હોટલના ડાયનિંગ હોલમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મોહમ્મદ સમીરની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...એચ. એસ. પટેલ(તપાસ અધિકારી, ચીખલી પોલીસ સ્ટેશન)