નવસારીઃ બીલીમોરામાં એક પૈતૃક મકાનના રીનોવેશન દરમિયાન મજૂરોને સોનાના સિક્કા મળ્યા હતા. આ સિક્કા જોઈને કોન્ટ્રાક્ટર અને મજૂરોની દાનત બગડી હતી. તેમણે આ સિક્કા મૂળ મકાન માલિકને પરત કરવાને બદલે સગેવગે કરી દીધા હતા. નવસારી એલસીબીએ આ ચકચારી કેસમાં વધુ 41 સોનાના સિક્કા કબ્જે કરી લીધા છે. તેમજ વધુ 1 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આ કેસમાં પોલીસ અત્યાર સુધી કુલ 240 સોનાના સિક્કા પરત મેળવી ચૂકી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગત ઓક્ટોબર 2023માં હવાબીબીએ નવસારી આવી કોન્ટ્રાકટર તેમજ મજૂરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે બે મહિનાની મહેનત બાદ ચોરાયેલા 199 સોનાના સિક્કાઓ સાથે રમકુ, રાજુ, બંજરી અને સગીરની મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી. જયારે કોન્ટ્રાકટર સરફરાઝની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પાંચેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સોનાના સિક્કા ચોરી જનારા મજૂરો અને કોન્ટ્રાકટરને પોલીસે પકડીને સિક્કા પણ કબ્જે કર્યા હોવાનું જાણતા જ ફરિયાદી NRI હવાબીબી UKથી નવસારી પહોંચ્યા હતા. તેમને નવસારી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. અત્યાર સુધી પોલીસે 240 સિક્કા શોધ્યા છે, વધુ સિક્કા શોધવાના પ્રયાસ પોલીસ કરી રહી છે.
41 સોનાના સિક્કા કબ્જે કરાયાઃ આરોપી રાજુનો ભાઈ મુકેશ ગેન્તી ભયડીયા સિક્કા મુદ્દે જાણતો હતો અને તેણે મધ્યપ્રદેશના સોની ગોપાલ ઓમપ્રકાશ ગુપ્તાને ત્યાં 5.81 લાખ રૂપિયામાં ગીરવે મુક્યા હોવાનું ખુલતા જ પોલીસે મધ્યપ્રદેશના સોની ગોપાલ ગુપ્તા પાસેથી 19,00,760 રૂપિયાના 41 સોનાના સિક્કા કબ્જે લીધા હતા. જેમાં રમકુના સગીર પુત્રએ 11 અને રાજુએ 30 સિક્કા ગીરવે મુકવા આપ્યા હતા. જેથી સિક્કા ગીરવે મુકવા ગયેલ રાજુના ભાઈ મુકેશ ભયડીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ એન્ટિ ગોલ્ડ કોઈન્સ શોધવા પોલીસ માટે બહુ મોટી ચેલેન્જ છે જેને પોલીસ આરોપીઓની પુછપરછથી સોલ્વ કરી રહી છે. વધુ 1 આરોપી પકડાઈ જતા તેની પુછપરછથી વધુ ખુલાસા થશે તેવી પોલીસને આશા છે.
નવસારી એલસીબીને આ કેસમાં વધુ 41 ગોલ્ડ કોઈન્સની રીકવરી કરવામાં સફળતા મળી છે. જેથી આ કેસમાં કુલ 240 ગોલ્ડ કોઈન્સ પોલીસે રીકવર કર્યા છે. આ સિક્કાને ગીરવી મુક્યા હતા. આ કેસમાં વધુ 1 આરોપી મુકેશ ભયડીયાની ધરપકડ કરી છે...સુશીલ અગ્રવાલ(પોલીસ અધ્યક્ષ, નવસારી)
મારા ઘરમાંથી મળેલ સોનાના સિક્કા ચોરાઈ ગયા હતા. જે મુદ્દે નવસારી પોલીસે વધુ 41 સોનાના સિક્કા કબ્જે કરી લીધા છે. આ કેસમાં પોલીસે 240 સોનાના સિક્કા શોધી કાઢ્યા છે. નવસારી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબજ પ્રશંસનીય કામગીરી કરી છે. હું તેમની આભારી છું ...હવાબીબી(ફરિયાદી, બીલીમોરા, હાલ યુકે નિવાસી)