નવસારી: નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામની અને સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પ્રિયંકા પ્રવીણ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે નવસારીની કોવીડ-19 હોસ્પિટલ યશફીનમાં દાખલ કરાઈ હતી. જ્યાં અઠવાડીયા બાદ બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ત્રીજો ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતામાં મૂકાયું હતું. તેને પણ અઠવાડિયું પૂર્ણ થતા ફરી પ્રિયંકાનો ચોથો અને પાંચમો બંને કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા કોરોના યોદ્ધા પ્રિયંકાને યશફીન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિત સ્ટાફે તેને તાલીઓના ગડગડાટ સાથે ઉત્સાહભેર વધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ગત ૨૧ એપ્રિલ બાદ નવ દિવસમાં જ કોરોનાના ૭ પોઝીટીવ દર્દીઓ મળ્યા હતા, જેમાંથી પખવાડિયામાં જ 4 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને કોવીડ – ૧૯ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે નવસારીમાં કોરોનાના એક્ટીવ 3 જ દર્દીઓ રહેતા તંત્રને રાહત મળી છે.