નવસારી: જિલ્લામાં કોરોનાના વધતા કેસોને કારણે લોકો ઘરે રહેવા પર મજબૂર બન્યા છે. લોકોની આસ્થા પર પણ કોરોના વાર કરી રહ્યો છે, ત્યારે વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ નવસારી જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ગણેશોત્સવ પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગણેશજીની પ્રતિમાનું ઘરમાં સ્થાપન કરવા અને ઘરે જ વિસર્જન કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ ગણેશજીની ફક્ત 2 ફુટની અને માટીની પ્રતિમાનું જ વેચાણ કરવાની છૂટ આપી છે.
- નવસારી જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ગણેશોત્સવ પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું
- ગણેશજીની પ્રતિમાનું ઘરમાં સ્થાપન કરવા અને ઘરે જ વિસર્જન કરવાનો આદેશ
- ગણેશજીની ફક્ત 2 ફુટની અને માટીની પ્રતિમાનું જ વેચાણ કરવાની છૂટ
- જાહેરનામાને લઈ નવસારી ગણેશ મંડળ સંગઠન તેમજ આયોજકો પણ સતર્ક
- જાહેરનામનું ચુસ્તતાથી પાલન કરવા માટેના આયોજનો શરૂ
જોકે કોરોનાને કારણે નવસારીમાં માટીની ગણેશ પ્રતિમા બનાવવા આવતા ઘણા બંગાળી કારીગરો આવ્યા નથી. નાની પ્રતિમાઓ બનાવવા રાજસ્થાનથી માટી મંગાવવા આવે છે. જેનો પ્રતિ ગુણનો ભાવ 4 ગણો વધ્યો છે. જેથી ગણેશ પ્રતિમા નાની હોવા છતાં તેનો ભાવ પણ 10 હજારથી વધુ થયો છે.
જ્યારે કોરોનાને કારણે ગ્રાહકો પણ ફોનથી જ મૂર્તિ મળશે કે નહીં, તેની પુછપરછ કરી લે છે. જેના કારણે નાની-મોટી મળી 100 ગણેશ પ્રતિમા બનાવી વેંચતા મૂર્તિકાર કોરોના કાળમાં મોંઘવારી અને મૂર્તિઓ વેચાશે કે કેમ તેની ચિંતામાં 30 ટકા જ પ્રતિમાઓ બનાવી શક્યા છે.
મૂર્તિકારો સરકાર તેમની રોજીરોટી માટેની વિચારણા કરે એવી માગ પણ કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેકટરના જાહેરનામાને લઈ નવસારી ગણેશ મંડળ સંગઠન તેમજ મોટા ગણેશ મંડળોના આયોજકો પણ સતર્ક થયા છે. જેમના દ્વારા જાહેરનામનું ચુસ્તતાથી પાલન કરવા માટેના આયોજનો શરૂ કરવામાં આવ્યા છે.
શહેરમાં જે મંડળો વર્ષોથી ઉંચી પ્રતિમાઓ સ્થાપના કરતા હતા. તેઓ પણ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે તંત્ર દ્વારા જાહેર કરેલા આદેશનો સાર્વજનિક ઉત્સવ ન ઉજવી, ઘરમાં જ પ્રતિમાનું સ્થાપન કરવા સાથે ગણેશોત્સવ દરમિયાન સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવાનું આયોજન કરી રહ્યા છે.
માટીની પ્રતિમાના સ્થાપન સાથે ઘરે જ વિસર્જન કરી તેની માટી પ્રસાદ રૂપે લોકોને આપવાની તૈયારી કરી છે. જ્યારે જિલ્લા ગણેશ સંગઠન દ્વારા પણ સરકારના નિયમોના પાલન સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગ, સોસાયટી કે મોહલ્લામાં ગણેશોત્સવનું આયોજન ન કરવામાં આવે અને ઉત્સવ દરમિયાન બ્લડ કપ, ઉકળાનું વિતરણ સહિતના લોકોઉપયોગી કાર્યક્રમો યોજવાની અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં કોરોનાની ગતિને રોકવા સામાજિક અને ધાર્મિક સાર્વજનિક ઉત્સવો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે નવસારીવાસીઓ આ આદેશનો ચુસ્તતાથી પાલન કરે એજ લોકોના હિતમાં છે.